‘હવે મોટા મગરમચ્છ પકડાશે..’ રાજસ્થાનમાં પેપર લીકના પુરાવા સાથે વિધાનસભ્ય SOG ઓફિસ પહોંચ્યા

જયપુર: તાજેતરમાં જ રાજસ્થાનની રાજ્ય સરકારના પ્રધાન પદેથી રાજીનામું આપનાર ભાજપના વરિષ્ઠ નેતા કિરોડી લાલ મીણા (Kirodi Lal Meena) રાજ્યમાં પેપર લીક સામે લાવવા પ્રયાસ કરી રહ્યા છે. તેમણે રાજસ્થાન પબ્લિક સર્વિસ કમિશન (RPSC) દ્વારા લેવામાં આવેલી પરીક્ષામાં પેપર લીક (Paper leak) થયાના પુરાવા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) સોંપ્યા છે અને સાથે આરોપ લગાવ્યો છે કે આ કેસમાં SOGના એક ઇન્સ્પેક્ટર અને એક કોન્સ્ટેબલની પણ ભૂમિકા છે.
કિરોરી લાલ મીણાએ જણાવ્યું કે આ પુરાવાઓથી એસઓજીને ‘મોટા મગરમચ્છ’ પકડવામાં મદદ મળશે. તેમણે આક્ષેપ કર્યો હતો કે એસઓજીના ઘણા અધિકારીઓની ભૂમિકાને કારણે, પેપર લીકના આરોપીઓને અત્યાર સુધી ખુલ્લા પાડી શકાયા નથી.
મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે, “મુખ્ય આરોપી ઉદરામ અને સુરેશ ઢાકા (વરિષ્ઠ શિક્ષક ભરતી પેપર લીક પાછળના માસ્ટરમાઇન્ડ) પાસે માહિતીનો ખજાનો છે, જેમની ધરપકડ શક્ય તેટલી વહેલી તકે થવી જોઈએ.”
તેમણે RPSC અધ્યક્ષ સંજય શ્રોત્રિયા પર પણ ગેરરીતિ આચરવાનો આરોપ મૂક્યો હતો, અને આરોપ લગાવ્યો હતો કે તેમણે જવાબ પત્રકોની તપાસ ખાનગી લોકોને સોંપી હતી.
કિરોરી લાલ મીણાએ જણાવ્યું કે પેપર લીકના માસ્ટર માઈન્ડ ભૂપેન્દ્ર સરણે પોતે SOG ઓફિસર મોહન પોસવાલ અને કોન્સ્ટેબલ પર પૈસા લેવાનો આરોપ લગાવતો પત્ર લખ્યો હતો. તેમણે કહ્યું કે ભૂપેન્દ્ર સરણનો મોબાઈલ પણ જપ્ત કરવામાં આવ્યો ન હતો.
કિરોરી લાલ મીણાએ કહ્યું કે ઉદરામ પેપર લીક માફિયા સુરેશ ઢાકાને બચાવવાનું કામ કરી રહ્યા છે, જ્યારે મોહન કોંગ્રેસ સરકારના નેતાઓને બચાવવામાં વ્યસ્ત છે.
કિરોરી લાલ મીણાએ SOG સમક્ષ પુરાવા રજૂ કરતાં કહ્યું કે જો તેમની વાત નહીં સાંભળવામાં આવે તો તેઓ આમરણાંત ઉપવાસ પર ઉતરશે. તેમણે 15 દિવસનું અલ્ટીમેટમ આપ્યું હતું અને કહ્યું હતું કે જો આ સમયગાળા દરમિયાન પગલાં લેવામાં નહીં આવે તો તેઓ કડક પગલાં લેશે.
કિરોરી લાલ મીણાએ રજૂ કરેલા પુરાવાને કારણે પેપર લીક કેસમાં નવો વળાંક આવ્યો છે. SOG અને અન્ય સંબંધિત અધિકારીઓ પર લગાવવામાં આવેલા આરોપોને કારણે કેસની ગંભીરતા વધી છે. હવે જોવાનું એ રહે છે કે આ પુરાવાના આધારે SOG શું પગલા ભરે છે અને તપાસમાં કયા નવા ખુલાસા થાય છે.