
મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના’ હેઠળ મહિલાઓના ખાતામાં જમા કરાયેલા ₹10,000 ગેમ ચેન્જર સાબિત થયા
પટનાઃ બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે. ચૂંટણી પંચની વેબસાઇટ મુજબ લખાય છે ત્યારે ભાજપ (ભારતીય જનતા પાર્ટી) 91, જેડીયુ 81, આરજેડી 26, એલજેપી (રામ વિલાસ) 22, કોંગ્રેસ 4 બેઠક પર આગળ ચાલી રહ્યું છે. નીતીશ કુમાર 10મી વખત બિહારના મુખ્ય પ્રધાન બની શકે છે.
નીતીશ કુમારે આ વખતે મહિલા મતદારોને રિઝવવા માટે ₹ 10,000 રૂપિયા ખાતામાં જમા કરાવ્યા હતા. જે ગેમ ચેન્જર સાબિત થયું હતું. મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્રના માફક બિહારમાં પણ મહિલાઓ જ મુખ્ય પ્રધાન માટેનો માર્ગ મોકળો કરે તો નવાઈ નહીં.
અલબત્ત, 10,000 રૂપિયાના કારણે મહિલા મતદારોનો તેમના પર ભરોસો વધ્યો હતો અને વિપક્ષની વ્યૂહરચના નિષ્ફળ ગઈ હતી. વડા પ્રધાન મોદીએ ગત મહિને 26 તારીખે આ યોજનાનો વર્ચુઅલ શુભારંભ કરાવ્યો હતો. આ અવસર પર 75 લાખ મહિલા લાભાર્થીના બેંક ખાતામાં ₹10-10 હજાર ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.
એનડીએ દ્વારા આ યોજનાને મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના નામ આપવામાં આવ્યું છે. નીતીશ સરકરે દાવો કર્યો કે સ્વરોજગારને પ્રોત્સાહન આપવાના હેતુથી તેને લોન્ચ કરવામાં આવી છે. ચૂંટણી પહેલા 29 ઓગસ્ટ, 2025ના આ યોજનાને નીતીશ કુમારની કેબિનેટની મંજૂરી મળી હતી. ત્યારે વિપક્ષે સરકાર પર વોટ ખરીદવાનો આરોપ લગાવ્યો હતો, પરંતુ ચૂટણીના પરિણામ બતાવે છે કે આ યોજનાએ નીતીશ સરકાર સામે ઉભી થયેલી એન્ટિ ઈન્કમબેસીને પલટી નાખી હતી.
બિહાર વિધાનસભાની ચૂંટણીમાં નીતીશ કુમારની આ યોજના ‘ગેમ ચેન્જર’ સાબિત થઈ છે. આ યોજના હેઠળ રાજ્યની 1.5 કરોડ મહિલાના ખાતામાં ₹10,000 ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. બિહારમાં કુલ મહિલા મતદારોની સંખ્યા આશરે 3 કરોડ 60 લાખ છે. દોઢ કરોડ મહિલાઓને આ યોજનાનો સીધો લાભ મળ્યો, જેનો ફાયદો NDA ગઠબંધનને થયો છે.
ઉલ્લેખનીય છે કે આ ચૂંટણીમાં કુલ મહિલા મતદારોમાંથી 71 ટકાથી વધુ મહિલાઓએ મતદાન કર્યું હતું, જેનો લાભ પણ NDAને મળ્યો હતો. જો ₹10,000નું આ ફંડ 1.5 કરોડ મહિલાઓના ખાતામાં ગયું હોય, તો તેની અપ્રત્યક્ષ અસર આશરે 4 થી 5 કરોડ પરિવારો પર પડી છે. આ કારણે, માત્ર ₹10,000 મેળવનાર મહિલાઓએ જ નહીં, પરંતુ તેમના પરિવારની અન્ય મહિલાઓએ પણ NDAના પક્ષમાં મતદાન કર્યું છે. નિષ્ણાતોનું માનવું છે કે આ સ્કીમે નીતીશ અને ભાજપને મજબૂત વોટ બેંક મેળવવામાં મોટી મદદ કરી છે.
આ યોજનાની મુખ્ય વાત એ છે કે, ₹10,000ની આ રકમ મહિલાઓએ પાછી આપવાની નથી, એટલે કે તે લોન નથી. આ રકમ તેમને નાનો રોજગાર શરૂ કરવા માટે આપવામાં આવી છે. સરકારે જાહેરાત કરી છે કે જો મહિલાઓ આ ₹10,000થી સફળતાપૂર્વક રોજગાર ઊભો કરી શકશે, તો તેમને ₹2 લાખની વધારાની લોન પણ આપવામાં આવશે. અહીં એ જણાવવાનું કે આ અગાઉ મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં સરકારે લાડલી બહેના ફળી હતી, જ્યારે હવે બિહારમાં નીતીશ કુમારને બહેનો માટેની યોજના ફળી ગઈ છે.
નીતીશ કુમારનો મહિલાઓના પક્ષમાં સરકારી યોજનાઓ સફળતાપૂર્વક પહોંચાડવાનો લાંબો ઇતિહાસ રહ્યો છે. તેમાં નીચેની યોજનાઓ મુખ્ય છે:
- મફત સાયકલ યોજના
- દારૂબંધી
- સ્કૉલરશિપ
- પંચાયતમાં 50 ટકા બેઠકનું અનામત
- સરકારી નોકરીઓમાં 35 ટકા અનામત
આ વખતે નીતીશ કુમારે ₹10,000 રોકડા આપવાનું માત્ર વચન જ નહોતું આપ્યું, પરંતુ તેને પૂરો પણ કર્યો. આનાથી નીતીશે મહિલાઓ સાથે ‘ટ્રસ્ટ ચેઈન’ વિકસાવી, જેનું પરિણામ તેમને મહિલાઓના જંગીવોટના રૂપમાં મળ્યું છે.
10મી વખત CMની ખુરશી: નીતીશ કુમાર અત્યાર સુધીમાં 9 વખત બિહારના મુખ્યમંત્રી બની ચૂક્યા છે અને 10મી વખત મુખ્યમંત્રી બની શકે છે. તેઓ ભારતમાં સૌથી લાંબા સમય સુધી મુખ્યમંત્રી પદ પર રહેલા નેતાઓમાંના એક છે તેમનો કુલ કાર્યકાળ 20 વર્ષથી વધુનો છે.
. નીતીશ કુમાર સૌ પ્રથમ 3 માર્ચ 2000ના રોજ 7 દિવસ માટે બિહારના મુખ્યમંત્રી બન્યા હતા. જોકે, તે અલ્પમતમાં રહેલી સરકાર હોવાથી તેમને રાજીનામું આપવું પડ્યું હતું.
. પાંચ વર્ષની રાહ જોયા બાદ, નીતીશે 2005માં વાપસી કરી હતી.
. નવેમ્બર 2005: તેઓ પૂર્ણ બહુમતી સાથે સત્તામાં આવ્યા.
. 2010: તેઓ ત્રીજી વખત મુખ્યમંત્રી બન્યા.
. 2014: તેઓ ભાજપથી અલગ થઈ ગયા.
. 2015: મહાગઠબંધનની શાનદાર જીત સાથે નીતીશે ફરીથી સત્તામાં વાપસી કરી.
. 2017: ફરી એકવાર તેમની રાહ મહાગઠબંધનથી અલગ થઈ અને તેઓ NDA ગઠબંધનમાં પાછા ફર્યા.
આ પણ વાંચો…બિહારની ચૂંટણીમાં ભાજપ 86 બેઠકો સાથે સૌથી મોટો પક્ષ, કોંગ્રેસ બે આંકડે પણ ના પહોંચી



