વિજય માલ્યાનો ‘કિંગફિશર વિલા’ બન્યો ‘કિંગ્સ મેન્શન’: જાણો કોણ છે નવો માલિક?

પણજી: બિઝનેસ ટાયકૂન વિજય માલ્યા અત્યારે લાઈમલાઈટમાં છે, તેમાંય વળી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (આરસીબી)ની જીત પછી. એટલે વિજય માલ્યા પોતાની આલિશાન રહેણીકરણી માટે જાણીતા છે. ગોવામાં તેમનો એક આલિશાન વિલા હતો. જેનું ‘કિંગફિશર વિલા’ નામ હતું. આ વિલામાં તેમણે અનેક પાર્ટી કરી હતી. જોકે આ વિલાનું નામ બદલાઈ ગયું છે, કારણ કે આ વિલાના માલિક હવે બદલાઈ ગયા છે.
‘કિંગફિશર વિલા’ બન્યો ‘કિંગ્સ મેન્શન’
તાજેતરમાં વિજય માલ્યાએ એક યુટ્યુબર સાથે પોડકાસ્ટમાં પોતાની સાથે અન્યાય થયો છે એવી વાત કરી હતી. તેમનો આ પોડકાસ્ટ ચર્ચાનો વિષય બન્યો હતો. સાથોસાથ તેઓની જૂની સંપત્તિ વિશે પણ વાતો નીકળી હતી. ગોવામાં તેમનો સૌથી ખાસ ‘કિંગફિશર વિલા’ હતો. ગોવાની રાજધાનીથી 20 કિમી દૂર અગુઆડા કિલ્લાનાા રસ્તા પર આવેલો આ વિલા 12,000 ચોરસ ફૂટથી પણ વધારે જગ્યામાં ફેલાયેલો છે.
વર્ષ 2017માં આ આલિશાન વિલાની બેંક દ્વારા હરાજી કરવામાં આવી હતી. હિંદી અને તેલુગુ ફિલ્મોમાં કામ કરનાર અભિનેતા સચિન જોશી અને તેમની પત્ની ઉર્વશી શર્માએ આ વિલાને 73.01 કરોડ રૂપિયામાં ખરીદી લીધો હતો અને તેને ‘કિંગ્સ મેન્શન’ નામ આપ્યું હતું.
આ પણ વાંચો - વિજય માલ્યાના બેંકોને નાણાં ચુકવણીના દાવા પાયાવિહોણા, સરકારે કહ્યું હજુ 7000 કરોડની વસૂલાત બાકી
કેવી રીતે થઈ વિજય માલ્યાની સંપત્તિની હરાજી
એક સમયે વિજય માલ્યા ‘કિંગ્સ ઓફ ગુડ ટાઈમ્સ’ તરીકે જાણીતા હતા. પરંતુ એક સમયે એવો આવ્યો કે તેમની પડતીની શરૂઆત થઈ. તેમની પર IDBI બેંક પાસેથી લીધેલી 900 કરોડ રૂપિયાની લોન ન ચૂકવવાનો આરોપ લગાવવામાં આવ્યો. 2016માં ભારતની એજન્સીઓ દ્વારા તેમની પૂછપરછનો દોર શરૂ થયો. ત્યારે તેઓ યુકે ભાગી ગયા હતા જેથી ભારત સરકારે તેઓને ભાગેડુ જાહેર કર્યા હતા. જેને લઈને તેઓની મુશ્કેલીઓ વધી ગઈ.
ઉલ્લેખનીય છે કે, વિજય માલ્યા પાસેથી પૈસા વસૂલ કરવા માટે બેંક દ્વારા તેમને સંપત્તિ જપ્ત કરવામાં આવી. જેમાં તેમના ‘કિંગફિશર વિલા’નો પણ સમાવેશ થતો હતો. એસબીઆઈના નેતૃત્વમાં અનેક બેંકોએ સાથે મળીને તેમની સંપત્તિની હરાજી કરવામાં આવી હતી.