પટણા: બૉલીવૂડના ‘કિંગ ખાન’ તરીકે ઓળખાતા શાહરુખ ખાન ફરી એક વખત મુશ્કેલીમાં ફસાઈ શકે છે. બિહારમાં આવેલા મુઝફ્ફરનગર જિલ્લા કન્ઝયુમર કમિશન દ્વારા શાહરુખ ખાનને નોટિસ ફટકારવામાં આવી છે. આ કેસની આગળની સુનાવણી 12 એપ્રિલે કરવામાં આવેશે એવી માહિતી સૂત્રોએ આપી હતી. આમ જનતાને ગેરમાર્ગે દોરતી એક શૈક્ષણિક સંસ્થાની જાહેરાતને કારણે શાહરુખ ખાનની સાથે જગ પ્રખ્યાત ફૂટબૉલર લિયોનલ મેસ્સીને પણ નોટિસ મોકલવામાં આવી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
મુઝફ્ફરનગર જિલ્લાના કન્ઝયુમર કમિશને લોકોને ગેરમાર્ગે દોરનારી એક એડમાં કામ કરવા બદલ અભિનેતા શાહરુખ ખાન, ફૂટબૉલર લિયોનલ મેસ્સીની સાથે બીજા સાત લોકોને પણ નોટિસ મોકલી હતી. આ નોટિસમાં દરેક આરોપીને 12 જાન્યુઆરીએ હાજર રહેવાનો આદેશ આપ્યો હતો.
આ મામલે એક અધિકારીએ જણાવ્યું હતું કે મુઝફ્ફરનગર મીઠનપુરામાં રહેલા એક વ્યક્તિએ આ એડને જોઈ તેના બે બાળકના એડમિશન શૈક્ષણિક સંસ્થામાં કરાવ્યા હતા. તેમણે ફી પણ સમયસર ભરી હતી, તેમ છતાં આ સંસ્થામાં સારી રીતે ભણતર આપવામાં આવ્યું નહોતું. આ સાથે સંસ્થાએ તેમના બંને દીકરાઓ સામે લોન પણ આપી હતી. આ વાતની જાણ થતાં દીકરાના પિતાએ સંસ્થાના બ્રાન્ડ એમ્બેસેડર સામે ફરિયાદ દાખલ કરી હતી.
કન્ઝયુમર કમિશનના અધિકારીએ જણાવ્યું હતું કે શાહરુખ ખાનને નોટિસ આપ્યા બાદ શાહરુખ અને સંસ્થાના વકીલોએ હાજરી આપી હતી. સુનાવણી દરમિયાન શાહરુખ ખાનના વકીલે આ મામલે કોઈ પણ ઓરિજિનલ દસ્તાવેજો જમા નહીં કરાવતા ઝેરોક્સ કોપી જમા કરવી હતી, જેથી તેમને 12મી એપ્રિલે ફરી હાજર રહેવાનો આદેશ આપ્યો હતો.
સૂત્રોએ માહિતી આપી હતી કે આ મામલે શાહરુખ ખાનની માસી સાથે બીજા સાત લોકો સામે સુનાવણી કરવામાં આવશે અને જો કોર્ટ દ્વારા આપવામાં આવેલા આદેશની અવગણના કરવામાં આવશે તો દરેક આરોપીઓને જેલની સજા ફટકારવામાં આવશે.