આમ આદમી પાર્ટી પછી કોંગ્રેસે પણ પીએમ મોદીના વિદેશ પ્રવાસ પર તાક્યું નિશાન, ખડગેએ કહ્યું મણિપુર જતા નથી…

ભુવનેશ્વર: આમ આદમી પાર્ટી (આપ)ના નેતા અને પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માન બાદ હવે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિદેશ પ્રવાસ પર આકરા પ્રહારો કર્યા હતા.
ખડગેએ ઓડિશામાં એક જનસભાને સંબોધિત કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે વિદેશ પ્રવાસ તેમ જ બિહાર વોટર લિસ્ટ વેરિફિકેશન (SIR) અને મણિપુરના મુદ્દાને લઈને PM મોદી પર જોરદાર નિશાન સાધ્યું હતું. ખડગેએ આરોપ લગાવ્યો કે વડા પ્રધાનનો એજન્ડા દેશના સંવિધાનને ખતમ કરવાનો છે,
આપણ વાંચો: મલ્લિકાર્જુન ખડગેએ અમદાવાદ પ્લેન ક્રેશને લઈ કહી આ વાત
ખડગેએ પીએમ મોદીને ફેંક્યો પડકાર
મણીપુરના મુદ્દા પર વાત કરતા મલ્લિકાર્જુન ખડગેએ વડા પ્રધાન મોદીને પડકાર ફેંકતા કહ્યું હતું કે, “મણિપુર જવાની તમારી હિંમત નથી. રાહુલ ગાંધી મણિપુર જઈ શકે છે, પરંતુ PM મોદી આજ સુધી મણિપુર નથી ગયા.
તેઓ વિદેશોમાં ફરે છે, પણ મણિપુર નથી જતા. મણિપુરમાં ઘરો સળગાવવામાં આવી રહ્યા છે, બાળકોને શિક્ષણ નથી મળી રહ્યું, શાળાઓ બંધ છે, પરંતુ વડા પ્રધાન ત્યાં પગ નથી મૂકી રહ્યા. તેમને કહ્યું કે વિદેશ પ્રવાસ મહત્વના છે પણ પોતાના દેશના દુખ-દર્દ પણ જોવા જોઈએ.
વિના આમંત્રણ પાકિસ્તાન ચાલ્યા જાય છે
પીએમ મોદીના વિદેશ પ્રવાસ પર પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માને પણ આકરા પ્રહારો કર્યા હતા. મલ્લિકાર્જુન ખડગેએ પણ આ મુદ્દે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાકિસ્તાન તો વગર બોલાવ્યે ચાલ્યા જાય છે, ત્યાં દરેક નેતાને મળીને ગળે મળે છે, પરંતુ મણિપુરની અવગણના કરે છે.
વડાપ્રધાનને દેશ સાથે કોઈ હમદર્દી નથી. તેમનું ધ્યાન માત્ર એ વાત પર છે કે કોણ બોલાવીને ગળામાં હાર નાખશે… કયા દેશમાં જઈને હું સર્વોચ્ચ પુરસ્કાર લઈ લઉં. PM મોદી પાસે ન તો મણિપુર જવાની હિંમત છે અને ન તો તેઓ જવા માંગે છે.”
આપણ વાંચો: ‘RSSની વિચારધારા ગાંધી અને આંબેડકર વિરોધી’ અમદાવાદ અધિવેશનમાં મલ્લિકાર્જુન ખડગેનું સંબોધન
બિહાર અને મહારાષ્ટ્રમાં લોકશાહીને નુકસાન
કોંગ્રેસ અધ્યક્ષે ચૂંટણી પ્રક્રિયા પર પણ સવાલો ઉઠાવ્યા હતા અને તેમણે દાવો કર્યો હતો કે મહારાષ્ટ્રમાં જે સરકાર બની છે, તે “ચોરીની સરકાર” છે, જ્યાં લાખો વોટમાં હેરાફેરી કરીને ભાજપે પોતાની સરકાર બનાવી છે.
ખડગેએ ચેતવણી આપી કે ભાજપના લોકો બિહારમાં પણ આવું જ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું, “જો આવું થતું રહેશે તો લોકતંત્ર નહીં બચે તેથી આપણે આવા લોકોને સત્તામાંથી બહાર કરી દેવા જોઈએ. આજે દેશમાં લોકતંત્ર છે તેથી દલિતો-આદિવાસીઓને આરક્ષણ મળ્યું છે.”