નેશનલ

મલ્લિકાર્જુન ખડગેનો નેતાઓને સંદેશ, લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની જીત માટે મતભેદોમાં ફસાશો નહીં…….

નવી દિલ્હી: 2024ની લોકસભા ચૂંટણી માટે દેશમાં જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પાર્ટીના નેતાઓને લોકસભા ચૂંટણીમાં વિજય સુનિશ્ચિત કરવા માટે આગામી ત્રણ મહિના પોતાની જાતને પાર્ટીને સમર્પિત કરવા જણાવ્યું હતું.

પાર્ટીના નેતાઓની બેઠકને સંબોધતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે તમારા મતભેદો ભૂલી જાઓ, મીડિયામાં કોઈ પ્રકારના આંતરિક મુદ્દાઓ ન ઉઠાવો અને પાર્ટીની જીત સુનિશ્ચિત કરવા માટે એક ટીમ તરીકે કામ કરો. તેમજ શક્ય તેટલો પાર્ટી માટે વધારે સમય ફાળવો તો જ આપણે લોકસભા ચૂંટણી પછી જનતાને વૈકલ્પિક સરકાર આપવામાં સફળ થઈશું. કોંગ્રેસની આ બેઠકમાં ખડગે ઉપરાંત પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી, પાર્ટીના મહાસચિવ, રાજ્યોના પ્રભારીઓ અને રાજ્ય એકમોના વડાઓ સહિત ઘણા નેતાઓ હાજર રહ્યા હતા. 2024ની લોકસભા ચૂંટણીમાં વિજય સુનિશ્ચિત કરવાના એજન્ડા સાથે દિલ્હીમાં યોજાયેલી બેઠક દરમિયાન રાજ્ય એકમોએ સીટ વિતરણમાં વધુ સીટોની માંગણી કરી હતી.


ત્યારે ખડગેએ પોતાના નિવેદનમાં ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે ભાજપ છેલ્લા 10 વર્ષમાં પોતાની સરકારની નિષ્ફળતાને છુપાવવા માટે ભાવનાત્મક મુદ્દાઓને આગળ લાવે છે. તોમજ તે જાણીજોઈને દરેક મુદ્દામાં કોંગ્રેસને સામેલ કરે છે. આપણે એકજૂથ થઈને જનતા સમક્ષ ભાજપના જૂઠાણા, છેતરપિંડી અને ગેરરીતિઓનો જડબાતોડ જવાબ આપવાનો છે.


નોંધનીય છે કે લોકસભા ચૂંટણીમાં એક તરફ કોંગ્રેસ, TMC, DMK અને આમ આદમી પાર્ટી સહિત અનેક પક્ષોનું વિપક્ષી ગઠબંધન છે તો બીજી તરફ બીજેપીના નેતૃત્વમાં ફક્ત NDA છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button