કર્ણાટકમાં CMની ખુરશીની ખેંચતાણ વચ્ચે ખડગેએ આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું…

નવી દિલ્હી, બેંગલુરુ: કર્ણાટક કોંગ્રેસ સરકારે 20 નવેમ્બરના રોજ તેના પાંચ વર્ષના કાર્યકાળના અઢી વર્ષ પૂર્ણ કર્યા, જેના કારણે શાસક પક્ષમાં મુખ્યમંત્રી પરિવર્તન અંગે સત્તા સંઘર્ષ વધુ તીવ્ર બન્યો છે. કર્ણાટકમાં મુખ્યમંત્રી પદના પરિવર્તન અંગે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી અટકળો વચ્ચે, કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ મોટું નિવેદન આપ્યું છે. ખડગેનું આ નિવેદન બેંગલુરુમાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સાથે એક કલાકથી વધુ સમયની મુલાકાત કર્યાના એક દિવસ પછી આવ્યું છે.
કર્ણાટકમાં મુખ્યમંત્રી અંગે ખડગે શું બોલ્યા
કર્ણાટકમાં મુખ્યપ્રધાનના પરિવર્તન અંગે મલ્લિકાર્જુન ખડગેએ મીડિયાને જણાવ્યું હતું કે, “જે ડેવલપમેન્ટ થયું છે, તેના વિશે મારે કંઈ કહેવાનું નથી. તેથી તમે (મીડિયા) અહીં ઉભા રહીને તમારો સમય બગાડી રહ્યા છો…જે કંઈ કરવાની જરૂર છે, તે હાઇકમાન્ડ કરશે. તમારે હવે તેની ચિંતા કરવાની જરૂર નથી.”
તાજેતરમાં સિદ્ધારમૈયાની ખડગે સાથે મુલાકાત થઈ હતી. ત્યારબાદ તેમણે મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળ અંગેના મીડિયાના પ્રશ્નનો જવાબ આપતા કહ્યું હતું કે, અમે હાઇકમાન્ડના નિર્ણયનું પાલન કરીશું, દરેકે તે જ કરવું જોઈએ. જોકે, તેમણે નેતૃત્વ પરિવર્તન અંગેની ચર્ચાઓને અટકળો કહીને ફગાવી દીધી હતી. મુખ્યમંત્રીની ખડગે સાથેની મુલાકાત પહેલાં, નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારને ટેકો આપતા કેટલાક ધારાસભ્યો 20 નવેમ્બરે (અઢી વર્ષ પૂર્ણ થવાના દિવસે) ખડગેને મળવા દિલ્હી ગયા હતા. સિદ્ધારમૈયાના નજીકના મંત્રીઓ પણ આજે ખડગેને મળ્યા હતા.
રોટેશનલ સીએમ ફોર્મ્યુલાની ચર્ચા
ઉલ્લેખનીય છે કે, મે 2023માં વિધાનસભા ચૂંટણીના પરિણામો પછી, મુખ્યમંત્રી પદ માટે સિદ્ધારમૈયા અને શિવકુમાર વચ્ચે ઉગ્ર હરિફાઈ થઈ હતી. કૉંગ્રેસ પાર્ટીએ શિવકુમારને મનાવીને નાયબ મુખ્યમંત્રી બનાવ્યા હતા. તે સમયે, એવા અહેવાલો હતા કે બંને નેતાઓ વચ્ચે “રોટેશનલ મુખ્યમંત્રી પદ ફોર્મ્યુલા” પર કરાર થયો છે. જેમાં અઢી વર્ષ બાદ શિવકુમાર મુખ્યમંત્રી બનશે. જોકે, પાર્ટીએ ક્યારેય આ ફોર્મ્યુલા અંગેની પુષ્ટિ કરી નહોતી.
પક્ષના સૂત્રો અનુસાર, બે નેતાઓ વચ્ચે ખેંચતાણ ચાલુ છે. સિદ્ધારમૈયા મંત્રીમંડળમાં ફેરબદલ માટે દબાણ કરી રહ્યા છે. શિવકુમાર તેઓ ઇચ્છે છે કે પાર્ટી પહેલા નેતૃત્વ પરિવર્તનનો નિર્ણય લે. જો કોંગ્રેસ હાઈકમાન્ડ કેબિનેટ ફેરબદલને મંજૂરી આપે છે, તો તે એ સંકેત આપશે કે સિદ્ધારમૈયા તેમનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરશે, જેનાથી શિવકુમારના મુખ્યમંત્રી બનવાની શક્યતાઓ નબળી પડી જશે.
આ પણ વાંચો…કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તન: ગૃહ પ્રધાન જી. પરમેશ્વરનો CM પદની રેસમાં હોવાનો સંકેત…



