અધિવેશનના બીજા દિવસે ખડગે ભાજપ પર વરસ્યા, ટેરિફ, ચૂંટણી સહિત અનેક મુદ્દે લગાવ્યા ગંભીર આરોપ…

અમદાવાદ: ગુજરાતમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું અધિવેશન (Congress Convention in Ahmedabad) ચાલી રહ્યું છે. આજે અધિવેશનનો બીજો અને અંતિમ દિવસ છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આજે કોંગ્રેસ નેતાઓને સંબોધતા વિવિધ મુદ્દે ભાજપ પર પ્રહાર (Mallikarjun Kharge Speech) કર્યા હતાં. ખડગેએ કહ્યું કે, અમેરિકાએ ભારત પર 26% ટેરિફ લાદ્યો, પરંતુ સંસદમાં આ મુદ્દા પર ચર્ચા થવા દેવામાં આવી નહીં.
‘એક દિવસ મોદીજી દેશ વેચી દેશે’
મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે જાહેર મિલકતો વેચવામાં આવી રહી છે. તેઓ સરકારી નોકરીઓમાં SC, ST, OBC અનામતને નુકશાન પહોંચાડી રહ્યા છે. જો આમ જ ચાલુ રહ્યું, તો એક દિવસ મોદીજી દેશ વેચીને ચાલ્યા જશે. એરપોર્ટ, બંદર, માઈનિંગ… બધું જ તેમના ઉદ્યોગપતિ મિત્રોને આપવામાં આવી રહ્યું છે. આ રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો છે.
‘ચૂંટણીઓમાં કૌભાંડ ચાલી રહ્યું છે’
કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ કહ્યું કે, સરકાર ચૂંટણી પંચથી શરૂ કરીને દરેક જગ્યાએ દખલ કરી રહી છે. ચૂંટણીમાં કૌભાંડ ચાલી રહ્યું છે. વિકસિત દેશોએ EVMનો ઉપયોગ છોડી દીધો અને બેલેટથી મતદાન કરવામાં આવી રહ્યું છે. ફક્ત આપણા દેશમાં જ EVM છે. આ બધું ફ્રોડ છે.
ખડગેએ કહ્યું, “મહારાષ્ટ્રમાં શું થયું? રાહુલ ગાંધીએ સંસદમાં પ્રશ્ન ઉઠાવ્યો, પણ કોઈ જવાબ ન મળ્યો. મહારાષ્ટ્રમાં નકલી મતદાર યાદીથી ચૂંટણી જીતવામાં આવી. હરિયાણામાં પણ એવું જ બન્યું. ભાજપે 150 બેઠકો પર ચૂંટણી લડી અને 138 બેઠકો જીતી. કોઈ 90% બેઠકો કેવી રીતે જીતી શકીએ? મતદાર યાદીમાં ખામીઓ છે, તેને કોઈ રોકી રહ્યું નથી.”

આ પણ વાંચો: ‘RSSની વિચારધારા ગાંધી અને આંબેડકર વિરોધી’ અમદાવાદ અધિવેશનમાં મલ્લિકાર્જુન ખડગેનું સંબોધન
જાતિગત વસ્તી જરૂરી:
ખડગેએ કહ્યું કે, લોકોને બધી યોજનાઓનો લાભ મળે તે માટે જાતિગત વસ્તી ગણતરી જરૂરી છે. OBCને તેમના અધિકારો મળે તે માટે જાતિગત વસ્તી ગણતરી જરૂરી છે. મોદીજી પોતાને OBC કહે છે, પણ જાતિગત વસ્તી ગણતરી કરાવવા માંગતા નથી. તમે મત મેળવવા માટે પોતાને OBC કહો છો, પણ OBC ને તેમના અધિકારો આપવા માંગતા નથી. એટલા માટે જાતિગત વસ્તી ગણતરી કરવામાં આવતી નથી.
IIM અને ISROની સ્થાપના કોંગ્રેસે કરી:
ખડગેએ કહ્યું, “શાસક પક્ષ સતત કહી રહ્યો છે કે ભારતનો વિકાસ 2014 પછી જ થયો છે. પરંતુ ગુજરાતમાં બધી સરકારી સંસ્થાઓ કોંગ્રેસની ભેટ છે. ચંદીગઢ પછી, પ્લાન સિટી ગાંધીનગર કોંગ્રેસના શાસન દરમિયાન બનાવવામાં આવ્યું હતું. ગુજરાતમાં IIM અને ISRO ની સ્થાપના ક્યારે થઈ, મોદીજીના કાર્યકાળમાં? શું મોદીજીના કાર્યકાળમાં શ્વેત ક્રાંતિ થઈ હતી? ત્રિભુવનદાસ પટેલ હોય કે કુરિયન… તેમણે સહકારી ક્ષેત્રમાં જે કંઈ કર્યું, તે કોંગ્રેસના સમયમાં થયું. છતાં તેઓ કહે છે કે આપણે 70 વર્ષમાં શું કર્યું? તમે(નરેન્દ્ર મોદી) ગુજરાતના મુખ્ય પ્રધાન હતા. તેઓ 11 વર્ષથી વડાપ્રધાન છે. શું ગુજરાતમાંથી ગરીબી નાબૂદ થઈ ગઈ છે?”
આ પણ વાંચો: કોંગ્રેસના મહાઅધિવેશનમાં પ્રિયંકા ગાંધી પર પાર્ટી થશે મહેરબાન! સૂત્રોએ કહ્યું – મોટી જવાબદારી મળશે
રાજ્યો સાથે ભેદભાવ:
મલ્લિકાર્જુન ખડગે કેન્દ્ર સરકાર પર રાજ્યો સાથે ભેદભાવ કરવાનો આરોપ લાગાવ્યો. તેમણે કહ્યું, “યુપીએ સરકારમાં ક્યારેય વિપક્ષી રાજ્યો સાથે ભેદભાવ થયો ન હતો. પરંતુ છેલ્લા 11 વર્ષથી આવો ભેદભાવ થઈ રહ્યો છે. તેઓ આપણા મુખ્યપ્રધાનોને ભંડોળ આપતા નથી. તેઓ મનરેગા માટે ભંડોળ પણ આપતા નથી. ગઈકાલે સુપ્રીમ કોર્ટે તેમને (કેન્દ્ર સરકારને) રાજ્યપાલો અંગે ઠપકો આપ્યો હતો. વિપક્ષ શાસિત રાજ્યોમાં, રાજ્યપાલો બિલો વર્ષો સુધી દબાવીને રાખે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે હવે આવું નહીં ચાલે, કાં તો બિલ પાસ કરો અથવા પાછુ મોકલો.”