સિદ્ધારમૈયા બાદ હવે ખડગે પરિવાર પર ઉઠ્યા સવાલો, એરોસ્પેસ પાર્કમાં પ્લોટ મળતા ભાજપ સાંસદે લગાવ્યા ગંભીર આરોપ
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો પરિવાર અચાનક વિવાદમાં આવી ગયો છે. કર્ણાટકમાં ખડગે પરિવારને જમીનની ફાળવણીને લઈને નવો વિવાદ ફાટી નીકળ્યો છે. ભાજપના નેતા અને રાજ્યસભાના સાંસદ લહર સિંહ સિરોયાએ કર્ણાટક ઈન્ડસ્ટ્રીયલ એરિયા ડેવલપમેન્ટ બોર્ડ (KIADB)ની જમીનની ખડગેના પરિવાર દ્વારા સંચાલિત ટ્રસ્ટને કથિત ફાળવણી પર સવાલો ઉઠાવ્યા છે.
આ પણ વાંચો: સિદ્ધારમૈયાને હાઈકોર્ટમાંથી મોટી રાહત : ‘MUDA કૌભાંડ’માં કાર્યવાહી પર લગાવી રોક
ખડગેના પરિવાર દ્વારા સંચાલિત ટ્રસ્ટના ટ્રસ્ટીઓમાં ખુદ ખડગે, તેમની પત્ની રાધાબાઈ ખડગે, તેમના જમાઈ અને ગુલબર્ગાના સાંસદ રાધાકૃષ્ણ ડોડમણી, પુત્ર અને કર્ણાટક સરકારના મંત્રી પ્રિયંક ખડગે અને અન્ય પુત્ર રાહુલ ખડગેનો સમાવેશ થાય છે. સિરોયાએ ખડગે પરિવારને એક પ્રશ્ન પૂછ્યો હતો કે તેઓ આ જમીન મેળવવા માટે લાયક બનવા માટે એરોસ્પેસ સાહસિક ક્યારે બન્યા? તેમણે એ પણ જાણવા માંગ્યું હતું કે શું આ મામલો સત્તાના દુરુપયોગ, ભત્રીજાવાદ અને હિતોના ટકરાવ સાથે જોડાયેલો છે?
મલ્લિકાર્જુન ખડગેના પુત્ર રાહુલ ખડગેએ કર્ણાટક ઈન્ડસ્ટ્રીયલ એરિયા ડેવલપમેન્ટ બોર્ડ (KIADB)ના હાઈ-ટેક ડિફેન્સ એરોસ્પેસ પાર્કમાં સિદ્ધાર્થ વિહાર ટ્રસ્ટના નામે આ જમીન હસ્તગત કરી છે. સરકારે અનુસૂચિત જાતિ ક્વોટા હેઠળ તેમને એરોસ્પેસની પાંચ એકર જમીન રાહત દરે ફાળવી છે. નોંધનીય છે કે રાહુલ ખડગે ઈન્ડિયન રેવન્યુ સર્વિસ ઓફિસર હતા. અહીંથી રાજીનામું આપ્યા બાદ તેમણે આઈટી કંપનીઓમાં કન્સલ્ટન્ટ તરીકે સેવા આપી હતી. તેમના પત્ની પણ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છે.
આ પણ વાંચો: ‘આ મેગા-કૌભાંડ…’ હિંડનબર્ગ રીપોર્ટ મામલે ખડગેએ વડા પ્રધાન મોદી પર નિશાન સાધ્યું…
આ મામલે સ્પષ્ટતા કરતા કર્ણાટકના ઉદ્યોગ પ્રધાન એમ.બી. પાટીલે જણાવ્યું હતું કે, રાહુલ ખડગેના સિદ્ધાર્થ વિહાર એજ્યુકેશન ટ્રસ્ટને કાયદેસર રીતે નક્કી કરેલી કિંમતે જમીન આપવામાં આવી છે. નિયમોનું ઉલ્લંઘન કરીને જમીન આપવામાં આવી હોવાનો ભાજપનો આક્ષેપ પાયાવિહોણો છે. રાહુલ IIT ગ્રેજ્યુએટ છે જેનો પરિવાર વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલો છે. કોઈપણ રસ ધરાવનાર વ્યક્તિ નિયત માપદંડો સાથે તેના માટે અરજી કરી શકે છે.