નેશનલ

Politics: કૉંગ્રેસના આ સાંસદે રામમંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ વિશે શું કહ્યું

નવી દિલ્હીઃ રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 22મી જાન્યુઆરીએ છે ત્યારે એક તરફ સામાન્ય ભક્તોની આસ્થા ઉભરી આવી છે ત્યારે બીજી બાજુ રાજકારણીઓએ આને રાજકીય રંગ આપવામાં કોઈ કસર છોડી નથી. કૉંગ્રેસના ત્રણ નેતા સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે અને અધીરરંજન ચૌધરીએ રામમંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના આમંત્રણને સન્માનપૂર્વક નકાર્યો છે. જોકે તેમના આ નિર્ણય બાદ ફરી રાજકીય ચર્ચાઓ જાગી છે અને અમુક કૉંગ્રેસી નેતાઓએ પણ નારાજગી વ્યક્ત કરી છે.

ત્યારે કૉંગ્રેસના સાંસદ અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન શશી થરૂરે આ મામલે પ્રતિક્રિયા આપી છે. તેમણે પણ એમ જણાવ્યું હતું કે આ એક રાજકીય સમારોહ બની ચૂક્યો છે અને પક્ષ તરીકે તેમાં જવાનું અમને ઉચિત લાગ્યું નથી. તેમણે એમ પણ જણાવ્યું કે કૉંગ્રેસમાં પક્ષમાં દરેક ધર્મના લોકો છે. તેઓ એક પક્ષના કાર્યકર ઉપરાંત વ્યક્તિ પણ છે. તેઓ હિન્દુ તરીકે પોતાનો નિર્ણય લઈ શકે છે. તેમણે એમ પણ જણાવ્યું કે હિન્દુ ધર્મના રખેવાળ એવા શંકરાચાર્યએ પણ કહ્યું હતું કે મંદિરનું કામ અધુરું છે ત્યારે પ્રાણ પ્રતિષ્ઠા કરવાનું ઊચિત નથી. થરૂરે જણાવ્યું હતું કે માત્ર ચૂંટણીને ધ્યાનમાં રાખી 22મી જાન્યુઆરીએ ભાજપે આ સમારોહનું આયોજન કર્યું છે. હું પણ મંદિરના દર્શને જાઉં છું અને રામમંદિર અને કાશી વિશ્વનાથના દર્શને જવાની મારી પણ ઈચ્છા છે અને સમય આવ્યે જઈશ, પરંતુ આ રીતે રાજકીય લાભ ખાટવામાં કૉંગ્રેસ પક્ષ માનતો નથી.

અગાઉ ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે પણ આ વાત જણાવી હતી કે રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા માટે રામનવમીથી ઉત્તમ દિવસ કોય હોઈ શકે, પરંતુ ભાજપે આ સમારોહ ચૂંટણીની આચારસંહિતા પહેલા માત્ર રાજકીય લાભ ખાંટવા યોજ્યો છે, આથી કૉંગ્રેસ પક્ષ આનો ભાગ બનવા માગતો નથી. તેમણે એ પણ જમાવ્યું હતું કે ભગવાનની ભક્તિ માટે ભવ્યતા નહીં પરંતુ મનનો ભાવ જોઈતો હોય છે. રામમંદિર મામલે ભાજપ અને કૉંગ્રેસ સહિત અમુક વિપક્ષો વચ્ચે મતભેદ જાગ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button