નેશનલ

કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુ સામે કાર્યવાહીની માગ

ઓટાવાઃ હિંદુ ફોરમ કેનેડાએ હમાસને સમર્થન કરનારા ખાલિસ્તાની નેતા ગુરપતવંત સિંહ પન્નુ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી છે. આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુના હમાસને ખુલ્લેઆમ સમર્થન આપવા અને કેનેડા સહિત G7 દેશોમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસો સામે ધમકીઓ આપવા અંગેના તાજેતરના નિવેદનો પર ઊંડી ચિંતા વ્યક્ત કરતાં, અહીંના હિંદુ સમુદાયે ટ્રુડો સરકારને ખાલિસ્તાની નેતા પર પગલાં લેવાની અને તાત્કાલિક પ્રતિબંધો લાદવાની વિનંતી કરી છે.

ગુરુવારે કેનેડાના જાહેર સુરક્ષા મંત્રી ડોમિનિક લેબ્લેન્કને સંબોધવામાં આવેલા એક તાત્કાલિક ઈમેલમાં, હિંદુ ફોરમ ઑફ કેનેડા (HFC)એ પન્નુ સામે તાત્કાલિક પગલાં લેવા હાકલ કરી છે. ખાલિસ્તાની પ્રવૃત્તિઓમાં સામેલ પન્નુએ કેનેડા સહિત G7 દેશોમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસ બંધ કરવાની ખુલ્લેઆમ ધમકી આપી છે.


એચએફસીએ કહ્યું હતું કે , “આ પ્રકારના નિવેદનો સ્વીકાર્ય નથી. અમે કેનેડા સરકારને તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરીએ છીએ, કારણ કે અમે અમારા સમુદાયની સુરક્ષાને લઈને ખૂબ જ ચિંતિત છીએ. આવા દ્વેષપૂર્ણ વીડિયો અને ભાષણ ઘૃણાજનક છે. આવા ભાષણોને કારણે હિંસા વધી રહી છે.”


શીખ્સ ફોર જસ્ટિસ (SFJ)ના સ્થાપક હળાહળ હિંદુ વિરોધી છે. ભૂતકાળના ભાષણોમાં તેણે “કેનેડિયન હિંદુઓ, કેનેડા છોડી દો” ના નારા લગાવ્યા હતા, જેને કારણે અહીંના હિંદુઓની સલામતી અંગે ચિંતા વધી ગઇ છે.આ સંજોગોમાં અમે હિંદુઓની સલામતી સુનિશ્ચિત કરવા માટેસરકારી હસ્તક્ષેપની માગણી કરીએ છીએ.


હિંદુ ફોરમ ઇઝરાયલનું સમર્થન કરે છે અન અનેક નિર્દોષોની કત્લેઆમ કરનાર હમાસનો વિરોધ કરે છે. હિંદુ ફોરમે મિનિસ્ટર લેબ્લેન્કને તેની અપીલમાં વિનંતી કરી છે કે જો ગુરપતવંત સિંહ પન્નુ કેનેડાના નાગરિક નથી, તો તેમને કેનેડામાં પ્રવેશતા રોકવામાં આવે.જો તે ખરેખર કેનેડિયન નાગરિક છે, તો તેઓએ વિનંતી કરી છે કે તેની સંપૂર્ણ તપાસ કરવામાં આવે અને, જો જરૂરી હોય તો, તેના નિવેદનો અને ધમકીઓના સ્વરૂપને ધ્યાનમાં રાખીને તેની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button