રેલવેમાં ચોંકાવનારો અકસ્માત: ટ્રેનની અપર બર્થ તૂટી પડતાં પ્રવાસીનું મોત | મુંબઈ સમાચાર

રેલવેમાં ચોંકાવનારો અકસ્માત: ટ્રેનની અપર બર્થ તૂટી પડતાં પ્રવાસીનું મોત

ટ્રેનના કોચમાં મુસાફરી કરતી વખતે એક પ્રવાસી દ્વારા ખોટી રીતે અપર બર્થની ચેન લગાવવાને કારણે બર્થ નીચે પડતા કેરળના એક 60 વર્ષીય વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, એવી ગવર્નમેન્ટ રેલ્વે પોલીસ (GRP) એ બુધવારે જાણકારી આપી હતી.

સધર્ન રેલવેએ બુધવારે મિલેનિયમ એક્સપ્રેસમાં મુસાફરી કરી રહેલા એક યાત્રીના મૃત્યુ પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું હતું અને સ્પષ્ટતા કરી હતી કે ટ્રેનના કોચમાં વચ્ચેની બર્થની સ્થિતિ બરાબર હતી અને તેને લગાવવામાં આવેલી ચેઇન પણ બરાબર હતી.

જીઆરપીએ જણાવ્યું કે 16 જૂને કેરળ નિવાસી અલી ખાન સી.કે. તેના મિત્ર સાથે તે ટ્રેન નંબર 12645 ‘એર્નાકુલમ-હઝરત નિઝામુદ્દીન મિલેનિયમ સુપરફાસ્ટ એક્સપ્રેસ’ના સ્લીપર કોચની નીચેની બર્થમાં બેસીને આગ્રા જઈ રહ્યા હતા. જીઆરપીના એક અધિકારીએ જણાવ્યું કે આ ઘટના ત્યારે બની જ્યારે ટ્રેન તેલંગાણાના વારંગલ જિલ્લામાંથી પસાર થઈ રહી હતી. તેમણે કહ્યું હતું કે વૃદ્ધ વ્યક્તિને ગરદનમાં ઈજા થઈ હતી અને તેને પહેલા રામાગુંડમની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાંથી તેને હૈદરાબાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. 24મી જૂને સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. આ અંગે કેસ નોંધવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Senior Citizenને Indian Railwayમાં ફરી વખત મળશે ખાસ આ સુવિધા, રેલવે પ્રધાને કરી જાહેરાત…

આ ઘટના પર સ્પષ્ટતા કરતા દક્ષિણ રેલવેએ કહ્યું હતું કે મીડિયામાં એવા અહેવાલો આવ્યા છે કે મીડલ બર્થ ક્ષતિગ્રસ્ત હાલતમાં હતી, જે સંપૂર્ણપણે પાયાવિહોણી છે. રેલવે દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે સંબંધિત મુસાફરે મધ્ય બર્થને ઉપરની બર્થના હુક સાથે યોગ્ય રીતે જોડ્યો ન હોવાને કારણે મિડલ બર્થ અચાનક ખુલી ગયો હતો.

નોંધનીય છે કે રેલવે દ્વારા અયોગ્ય જાળવણીના કારણે મધ્ય બર્થ નીચે પડી નથી કે ક્રેશ થઈ નથી. તેમણે કહ્યું કે જાળવણી નિષ્ફળતાનો આક્ષેપ કરતા અહેવાલો સંપૂર્ણપણે ભ્રામક છે. રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે હઝરત નિઝામુદ્દીન ખાતેના મીડલ બર્થની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી અને બર્થની સ્થિતિ સારી હોવાનું જાણવા મળ્યું હતું. ભારતીય રેલ્વે શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરે છે અને તેના મુસાફરોને શક્ય તેટલી શ્રેષ્ઠ સેવા આપવા માટે પ્રતિબદ્ધ છે.

સંબંધિત લેખો

Back to top button