
કેરળના વાયનાડમાં સોમવારે મોડી રાતથી ચાલુ રહેલ ભારે વરસાદ મંગળવારે વહેલી સવારે આફતમાં ફેરવાઈ ગયો. ભારે ભૂસ્ખલનને (Kerala Landslides)કારણે 41 લોકોના મોત થયા છે. જ્યારે 70 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. દુર્ઘટના એટલી મોટી છે કે રાજ્ય સરકારની વિનંતી પર સેનાને પણ ઘટનાસ્થળે મોકલવામાં આવી છે અને બચાવ કામગીરી ચાલી રહી છે. આ દુર્ઘટનાને કારણે તેમના મનોહર દૃશ્યો માટે પ્રખ્યાત મુંડક્કાઈ, ચુરલમાલા, અટ્ટમાલા અને નૂલપુઝા ગામોનું ચિત્ર બદલાઈ ગયું છે અને તેઓ અન્ય ભાગોથી વિખૂટા પડયા છે.
અનેક લોકોના દટાઈ જવાની આશંકા
રાજ્યના વન મંત્રી એકે સસેન્દ્રને કહ્યું, ‘સ્થિતિ ગંભીર છે. સરકારે તમામ એજન્સીઓને બચાવ કાર્યમાં જોડ્યા છે. આ ભૂસ્ખલનને કારણે ઘણા રસ્તાઓ તૂટી ગયા છે અને એક પુલ ધરાશાયી થઈ ગયો છે. વાયનાડમાં કુલ 3 જગ્યાએ ભારે ભૂસ્ખલન થયું છે, જેમાં અનેક લોકોના દટાઈ જવાની આશંકા છે. જેના લીધે મૃત્યુઆંક હજુ વધી શકે છે.
સેના પણ બચાવ કાર્યમાં જોડાઈ, વરસાદ વિધ્ન
સેના પણ બચાવ કાર્યમાં જોડાઈ છે પરંતુ મુશ્કેલ સ્થિતિ એ છે કે વરસાદ આજે પણ ચાલુ છે. આજે વધુ વરસાદની શક્યતા હોવાનું અનુમાન છે. આવી સ્થિતિમાં બચાવ કાર્યમાં વિલંબ થઈ રહ્યો છે. મોટા પાયે ભૂસ્ખલનની ઘટનાઓ પછી તબાહ થયેલા મકાનો અને નદીઓના પ્રવાહમાં ઉખડી ગયેલા વૃક્ષો જોવા મળી રહ્યા છે. પૂરમાં વહી ગયેલા વાહનો ઘણી જગ્યાએ ઝાડની ડાળીઓમાં ફસાયેલા અને ડૂબી ગયેલા જોઈ શકાય છે.નદીઓએ પોતાનો માર્ગ બદલી નાખ્યો છે અને રહેણાંક વિસ્તારોમાં વહી રહી છે. જેના કારણે વધુ વિનાશ થઈ રહ્યો છે.
બચાવકર્મીઓના માર્ગમાં અવરોધ
પહાડો પરથી નીચે પડી રહેલા મોટા પથ્થરો બચાવકર્મીઓના માર્ગમાં અવરોધ ઉભો કરી રહ્યા છે. બચાવ કામગીરીમાં રોકાયેલા લોકો ભારે વરસાદ વચ્ચે મૃતદેહો અને ઘાયલોને એમ્બ્યુલન્સમાં લઈ જતા જોઈ શકાય છે. ભૂસ્ખલનની ઘટનાઓમાં મોટા પાયે વૃક્ષો ધરાશાયી થયા છે અને પૂરના પાણીએ અનેક વિસ્તારોનો વિનાશ કર્યો છે.
Also Read –