દેરાણી અને જેઠાણી પર પણ દહેજ માંગણીનો કેસ ચલાવી શકાય, હાઈકોર્ટનો મોટો નિર્ણય

કોચી: કેરળ હાઈકોર્ટે તાજેતરમાં દહેજ માટે મહિલા પર અત્યાચારના કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો હતો, કોર્ટે કહ્યું કે પતિ અથવા તેના પરિવારના સભ્યો પત્નીનું બોડી શેમીંગ કારે, તો એ ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 498A હેઠળ ગુનો ગણાશે.
જેઠાણીએ કરી હતી આવી અરજી:
આ મામલામાં પીડિત મહિલાની જેઠાણીએ હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને કલમ 498A હેઠળ તેની સામે શરૂ કરાયેલી કાર્યવાહીને રદ કરવાની માંગ કરી હતી. તેની મુખ્ય દલીલ હતી કે તે મહિલાના પતિના મોટા ભાઈની પત્ની હોવાથી તે કલમ 498A હેઠળ સંબંધી ના ગણાય. તેની દલીલ હતી કે આ કાયદામાં સંબંધીઓનો અર્થ માત્ર માતા-પિતા, બાળકો, ભાઈ-બહેન અને પતિ કે પત્ની જ થાય છે.
અરજદાર દ્વારા આપવામાં આવેલી બીજી દલીલ એવી હતી કે તેમની સામે માત્ર બોડી શેમિંગ કરવાનો આરોપ છે. કોર્ટે નોંધ્યું કે એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે અરજદાર મહિલાના શરીર વિશે મજાક ઉડાવતી હતી, એવું કહેતી કે તેના પતિને તેના કરતાં વધુ સુંદર અને વધુ યોગ્ય મહિલાઓ મળી શકે છે.
હાઈકોર્ટે આપ્યો આવો ચુકાદો:
હાઈકોર્ટે કહ્યું કે આ કેસમાં ભાઈની પત્નીનો મુદ્દો નથી. કોર્ટે એ પણ કહ્યું કે આ કેસમાં ભાઈની પત્ની એ જ ઘરમાં રહેતી હતી જ્યાં ફરિયાદી મહિલા પણ રહેતી હતી.
કોર્ટે કહ્યું, “એક મહિલા તેના પતિના ઘરમાં રહેવાનું શરૂ કરે છે, જ્યાં પતિનો ભાઈ પણ રહેતો હોય. આવી સ્થિતિમાં, એવું ન કહી શકાય કે પતિના ભાઈની પત્નીને કલમ 498A હેઠળ સંબંધી ના ગણાય.”
જસ્ટિસ એ બદરુદ્દીને કહ્યું કે આવા તમામ ઈરાદાપૂર્વકના કૃત્યો જે મહિલાને આત્મહત્યા કરવા મજબૂર કરી શકે અથવા તેના જીવન તથા સ્વાસ્થ્ય (માનસિક અથવા શારીરિક)ને ગંભીર નુકસાન પહોંચાડી શકે તે ક્રૂરતા સમાન ગણાશે.
આ પણ વાંચો…..લિયોનેલ મેસ્સી 14 વર્ષ બાદ ભારતમાં ફૂટબોલ રમશે, આ રાજ્યની સરકારે કરી જાહેરાત
આ ઉપરાંત અરજદારે ફરિયાદીની મેડિકલ ડિગ્રી પર પણ સવાલો ઉઠાવ્યા હતા. કોર્ટે કહ્યું કે આ આરોપો પરથી એવું લાગે છે કે અરજદારની હરકતો માનસિક અને શારીરિક ક્રૂરતા હેઠળ આવે છે. આખરે કોર્ટે અરજી ફગાવી દીધી અને નિર્ણય માન્ય રાખ્યો.