પહેલી પત્નીની મંજૂરી વિના બીજા લગ્ન? કેરળ હાઈ કોર્ટે મુસ્લિમ પુરુષોને સંભળાવી ખરી-ખોટી

કોચીઃ કેરળ હાઈ કોર્ટે આજે એક મહત્વનો ચુકાદો આપ્યો છે. હાઈ કોર્ટે મુસ્લિમ પુરૂષો એકથી વધુ લગ્ન કરે છે તે મામલે મહત્વની ટિપ્પણી કરી હતી. કેરળ હાઈ કોર્ટે જણાવ્યું છે કે જો કોઈ મુસ્લિમ પુરૂષ પહેલી પત્ની હોવા છતાં પણ બીજી લગ્ન કરે છે તો તેને પહેલા તેની પહેલી પત્ની સાથે વાત કરવી જોઈએ અને તેની વાત પણ સાંભળવી પડે. આવા કિસ્સાઓમાં ધર્મ પછી આવે છે. કેરળ હાઈ કોર્ટે સ્પષ્ટપણે કહ્યું કે 99.99 ટકા મુસ્લિમ મહિલાઓ પોતાનો પતિ બીજા લગ્ન કરે તેનો વિરોધ કરતી હશે. જોકે, આ મુદ્દે ખરેખર વિચારવાલાયક તો છે. એટલા માટે જ કેરળ હાઈ કોર્ટે આ મુદ્દે મહત્વની ટિપ્પણી કરી છે.
99 ટકાથી વધુ મહિલા બીજા લગ્નનો કરશે વિરોધ
હાઈ કોર્ટનું કહેવું એવું છે કે, બીજા લગ્ન કરવા માટે પહેલી પત્નીની સહમતી હોવી જરૂરી છે. કારણ કે, જ્યારે બીજા લગ્ન થાય છે ત્યારે લગ્નની નોંધણીનો સવાલ આવે છે અને તેના માટે રસ્મ કે રિવાજ નહીં, પરંતુ કાયદો ધ્યાનમાં લેવાય છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે એક મુસ્લિમ પુરૂષ અને તેની બીજી પત્ની દ્વારા કોર્ટમાં અરજી કરવામાં આવી હતી.
આ અરજીને ફગાવી દેતા કોર્ટે આ વાત કહી હતી. મુસ્લિમ પુરૂષ અને તેની બીજી પત્નીએ બીજા લગ્નની નોંધણી કરાવવા માટે કોર્ટ રાજ્ય સરકારને નિર્દેશ આપે તેવી અપીલ કરી હતી. પરંતુ કોર્ટે અરજીને ફગાવી દીધી હતી.
આ પણ વાંચો: મંદિરમાં પૂજારીની પસંદગી પર કેરળ હાઈ કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો, શું છે સમગ્ર મામલો…
બીજા લગ્ન માટે પહેલી પત્નીની મંજૂરી જરૂરી
કેરળ હાઈ કોર્ટે આ અરજીને ફગાવી દેતા કહ્યું કે, આ અરજીમાં મુસ્લિમ વ્યક્તિની પહેલી પત્ની પક્ષકાર નથી તેના માટે અરજી પર કોઈ વિચાર કરી શકાય તેમ નથી. મૂળ વાત એ છે કે, જ્યારે આ મુસ્લિમ પુરૂષે બીજા લગ્ન કર્યાં ત્યારે લગ્નની નોંધણી માટે અરજી કરી હતી. પરંતુ જવાબદાર વિભાગ દ્વારા આ લગ્નની નોંધણી નહીં થાય તેવું જણાવ્યું હતું. જેથી આ લોકોએ કોર્ટમાં અરજી કરી હતી, પરંતુ કોર્ટ દ્વારા પણ કોઈ રાહત આપવામાં આવી નથી. પતિનું કહેવું એવું છે કે તેને બીજા લગ્ન માટે પહેલી પત્ની દ્વારા સહમતી આપવામાં આવી છે. જોકે, કોર્ટે કહ્યું કે જવાબદાર વિભાગના અધિકારી પહેલા પત્નીનો પક્ષ સાંભળી શકે છે. જો પહેલી પત્ની પતિના બીજા લગ્નનો વિરોધ કરે છે, તો સંબંધિત નાગરિક સત્તાધિકારી કોર્ટનો સંપર્ક કરી શકે છે.
પહેલી પત્ની પક્ષકાર નથી એટલે આના પર ચર્ચા નહીં થાય
ન્યાયાધીશ જસ્ટિસ પી.વી. કુન્હીકૃષ્ણને આ કેસમાં ટિપ્પણી કરતા કહ્યું કે, ‘હું એવું નથી માનતો કે કુરાન કે પછી મુસ્લિમ લો પહેલી પત્નીના જીવતી હોય, લગ્ન યથાવત હોય અને પહેલી પત્નીને ખબર ના હોવા છતાં પણ કેરળ લગ્ન નોંધણી અધિનિયમ, 2008 હેઠળ બીજી સ્ત્રી સાથે વૈવાહિક સંબંધોની પરવાનગી આપે!’. એટલું જ નહીં પરંતુ ન્યાયાધીશે એવું પણ કર્યું કે, પહેલી પત્ની પતિના બીજા લગ્ન મામલે ક્યારેય શાંત ના બેસી શકે.
પહેલી પત્નીની ભાવનાઓને નજરઅંદાજ કરવાની કોર્ટે ના પાડી દીધી હતી. આ સાથે બીજા લગ્નની નોંધણી કરાવવાના કિસ્સામાં ફક્ત દેશનો કાયદો જ લાગુ પડશે અને આવી સ્થિતિમાં પહેલી પત્નીને પોતાનો પક્ષ રજૂ કરવાની તક આપવી જરૂરી છે. તેવું કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું.



