‘રખડતા શ્વાનો કરતાં માણસો વધુ મહત્ત્વના છે’, કેરળ હાઇ કોર્ટ
કેરળ હાઇ કોર્ટે તાજેતરમાં એક કેસમાં એવી ટિપ્પણી કરી છે કે કે રખડતા શ્વાનો કરતા માણસોને વધુ મહત્વ આપવું જોઈએ. હાઈકોર્ટે કહ્યું હતું કે જો પ્રાણીપ્રેમીઓ રખડતા શ્વાનો માટે કંઈક કરવા ઈચ્છા ધરાવે છે તો સ્થાનિક સંસ્થાએ નિયમો અનુસાર તેમના માટે લાઇસન્સ જારી કરવા જોઈએ. હાઈકોર્ટે એમ પણ કહ્યું હું કે પશુ પ્રેમીઓએ પણ રખડતા શ્વાનોને કારણે થતી સમસ્યાઓ વિશે જાગૃત રહેવું જોઈએ.
કન્નુરના રહેવાસી રાજીવ કૃષ્ણન નામના વ્યક્તિના પાડોશીએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ અરજીમાં કહેવામાં આવ્યું હતું કે રાજીવના ઘરમાં રખડતા શ્વાનોને અસ્વચ્છ રીતે રાખવામાં આવે છે.
આ શ્વાનો ગંદકી ફેલાવે છે અને આસપાસનો વિસ્તાર પણ ગંદો કરે છે. અરજદારોએ કહ્યું હતું કે આનાથી તેમના રહેણાંક વિસ્તારોમાં રોગો ફેલાવાનો ખતરો છે. આ અંગે સુનાવણી કરતાં હાઈકોર્ટના જસ્ટિસ પી.વી.કુંજીક્રિષ્નનની ખંડપીઠે કહ્યું હતું કે, રાજ્ય સરકારે રખડતા શ્વાનોના મુદ્દે કેન્દ્ર સરકાર સાથે ગાઈડલાઈન તૈયાર કરવી જોઈએ અને જો જરૂરી હોય તો તેના માટે યોજના પણ બનાવવી જોઈએ.
હાઈકોર્ટે કહ્યું હતું કે જો પશુ પ્રેમીઓને રખડતા પ્રાણીઓની સુરક્ષાની ચિંતા હોય તો તેઓએ સ્થાનિક સરકારી સંસ્થાઓની મદદ માટે આગળ આવવું જોઈએ. કોર્ટે એમ કહ્યું હતું કે પ્રાણી પ્રેમીઓએ પશુ જન્મ નિયંત્રણ નિયમો અને કેરળ મ્યુનિસિપાલિટી એક્ટ હેઠળ રખડતા શ્વાનો રાખવા માટેનું લાઇસન્સ મેળવવા માટે સ્થાનિક સત્તાવાળાઓનો સંપર્ક કરવો જોઈએ. કોર્ટે કહ્યું કે રખડતા શ્વાનો રક્ષણ થવું જોઈએ, પરંતુ માનવ જીવનની કિંમત પર નહીં.