ગવર્નર આરિફ મોહમ્મદ ખાન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી કેરળ સરકાર…
કોચી: કેરળ સરકારે રાજ્યપાલ પર વિધાનસભા દ્વારા પસાર કરાયેલા બિલને પેન્ડિંગ રાખવાનો આરોપ લગાવતા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. 20 નવેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટે કેરળ સરકારની અરજી પર કેન્દ્ર સરકાર અને રાજ્યપાલ સચિવાલયને નોટિસ જારી કરી છે. સરકારનું કહેવું છે કે રાજ્યપાલના આઠ બિલ ઘણા મહિનાઓથી પેન્ડિંગ છે. આમાંના કેટલાક બિલ સાત મહિનાથી લઇને બે વર્ષ સુધીના સમયગાળા માટે રાજ્યપાલ પાસે પેન્ડિંગ છે.
દેશની સર્વોચ્ચ અદાલતે એટર્ની જનરલ અથવા સોલિસિટર જનરલને પણ આ મુદ્દે તેમનો અભિપ્રાય આપવા જણાવ્યું હતું. આ મામલે આગામી સુનાવણી શુક્રવારે 24 નવેમ્બરે થવાની છે. દેશના ઘણા રાજ્યોમાં રાજ્ય સરકારો અને રાજ્યપાલો વચ્ચે આવા કિસ્સાઓ થતા જોવા મળ્યા છે. તમિલનાડુમાં પણ આવું જ કંઇક થયું હતું. આ ઘટનામાં રાજ્યપાલ આરએન રવિ પર ત્રણ વર્ષથી બિલ પેન્ડિંગ રાખવાનો આરોપ છે. આ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પણ થઈ ચૂકી છે.
કેરળ સરકારે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી તેની અરજીમાં કહ્યું છે કે રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન વિધાનસભામાંથી પસાર થયેલા ઘણા બિલોને મંજૂરી આપી રહ્યાં નથી. અને આવી રીતે તે લોકોના અધિકારોને બિનઅસરકારક બનાવી રહ્યો છે. સરકારે કહ્યું હતું કે આમાંથી કેટલાક બિલ સાતથી 21 મહિનાથી મંજૂરીની રાહ જોઈ રહ્યા છે.
રાજ્ય સરકારની અરજી પર સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. આ મામલે ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે સુનાવણી કરી હતી. મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયનની સરકાર વતી વરિષ્ઠ વકીલ કેકે વેણુગોપાલ કોર્ટમાં હાજર થયા હતા. તેમણે દલીલ કરી હતી કે આઠ બિલોને મંજૂરી આપવામાં રાજ્યપાલ તરફથી વિલંબ થઈ રહ્યો છે. સુપ્રીમ કોર્ટની બેન્ચે કેકે વેણુગોપાલની દલીલોની નોંધ લીધી હતી. દલીલો સાંભળ્યા બાદ કોર્ટે એટર્ની જનરલ આર વેંકટરામાણીને નોટિસ જારી કરી હતી. સુનાવણી દરમિયાન વેણુગોપાલે કહ્યું હતું કે રાજ્યપાલોને બિલકુલ ખ્યાલ નથી કે તેઓ બંધારણની કલમ 168 હેઠળ વિધાનસભાનો ભાગ છે. હવે આ મામલે 24મી નવેમ્બરે સુનાવણી થવાની છે.