
કેરળના એર્નાકુલમમાં એક કન્વેન્શન સેન્ટરમાં પ્રચંડ બ્લાસ્ટ થયા બાદ સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. રાજ્યના તમામ 14 જિલ્લામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સરહદો સિલ કરી દેવામાં આવી છે. પોલીસ સોશિયલ મીડિયા પોસ્ટ પર ચાંપતી નજર રાખી રહી છે. આ વિસ્ફોટોમાં 1 વ્યક્તિનું મૃત્યુ થયું છે જ્યારે 40 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ત્રિશૂર જિલ્લાના કોડકારા પોલીસ સ્ટેશનમાં એક વ્યક્તિએ આત્મસમર્પણ કર્યું છે અને દાવો કર્યો છે કે તેણે જ કન્વેન્શન સેન્ટરમાં બૉમ્બ મૂક્યો હતો. આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે, જોકે, બ્લાસ્ટ તેણે જ કર્યા હતા કે અન્ય કોઇએ, એ અંગે હજી સુધી કોઇ માહિતી મળી નથી.
કેરળના કલામસેરીમાં આજે એટલે કે રવિવારે પ્રાર્થના સભા દરમિયાન થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટથી દેશભરમાં ખળભળાટ મચી ગયો છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હી, મુંબઈ અને ઉત્તર પ્રદેશમાં હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તેમજ સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દિલ્હી પોલીસે કહ્યું છે કે વિસ્ફોટોને જોતા શહેરના ભીડવાળા વિસ્તારોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. એ જ રીતે, તહેવારોની સિઝન અને આગામી ક્રિકેટ મેચોને ધ્યાનમાં રાખીને, મુંબઈ પોલીસે હાઈ એલર્ટ જાહેર કર્યું છે અને સુરક્ષા વધારી છે. અહેવાલ છે કે ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે મુંબઈના યહૂદી કેન્દ્ર છાબડ હાઉસમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.
દિલ્હી પોલીસે એક નિવેદનમાં કહ્યું કે દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ ગુપ્તચર એજન્સીઓના સતત સંપર્કમાં છે. કોઈપણ ઇનપુટને ગંભીરતાથી લેવામાં આવે છે. ભીડભાડવાળા સ્થળોએ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. બીજી તરફ યુપી પોલીસના સ્પેશિયલ ડીજી પ્રશાંત કુમારે કહ્યું છે કે ઈઝરાયેલ-હમાસ યુદ્ધ અને હવે કેરળમાં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટને કારણે રાજ્યભરમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, સ્થાનિક મીડિયાના અહેવાલમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે NIAએ તાજેતરમાં લખનૌ સહિત સાત જિલ્લામાં દરોડા પાડ્યા છે.
નોંધનીય છે કે કેરળમાં રવિવારે સવારે પ્રાર્થના સભા શરૂ થયા બાદ કન્વેન્શન સેન્ટરમાં થયેલા શ્રેણીબદ્ધ વિસ્ફોટોમાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે 40 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. કોચીથી લગભગ 10 કિમી દૂર કલામસેરીમાં આયોજિત સભામાં લગભગ 2,000 લોકો હાજર રહ્યા હતા. 27 ઓક્ટોબરથી શરૂ થયેલી ત્રણ દિવસીય પ્રાર્થના સભાનો રવિવાર છેલ્લો દિવસ હતો.
કેરળ પોલીસે કહ્યું છે કે હુમલામાં ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED)નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કેસની તપાસ માટે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરવામાં આવશે. સૂત્રોએ દાવો કર્યો છે કે વિસ્ફોટક ટિફિન બોક્સમાં મૂકવામાં આવ્યું હતું. શ્રેણીબદ્ધ વિસ્ફોટો બાદ ગૃહ પ્રધાન અમિત શાહે કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન સાથે ફોન પર વાત કરી હતી. શાહે કેન્દ્રીય એજન્સી NIA અને NSGના વડાઓને આતંકવાદ વિરોધી તપાસ સહિતની તપાસનો આદેશ આપ્યો છે.