દિલ્હીમાં હારી ગયેલા કેજરીવાલ પંજાબમાંથી રાજ્યસભામાં જશે ? કેજરીવાલે આપ્યો શું જવાબ

નવી દિલ્હી: પંજાબની લુધિયાના વેસ્ટ વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્યસભા સાંસદ સંજીવ અરોરાએ જીત મેળવી છે. સંજીવની આ જીત બાદ AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલના રાજ્યસભામાં પ્રવેશ માટે માર્ગ મોકળો થયો હતો. પરંતુ કેજરીવાલે આ વાત પર સ્પષ્ટ ના પાડી દીધી છે. હવે સંજીવ અરોરાના રાજ્યસભા સભ્યપદથી રાજીનામા બાદ AAP કોને રાજ્યસભામાં મોકલશે, તેની ચર્ચા શરૂ થઈ છે. આ પેટાચૂંટણીની જીતે 2027ની પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલાં AAPનો ઉત્સાહ વધાર્યો છે.
લુધિયાના વેસ્ટ બેઠક પર 19 જૂને યોજાયેલી પેટાચૂંટણીમાં AAPના સંજીવ અરોરાએ કોંગ્રેસના ભરત ભૂષણ આશુને 10,637 મતોથી હરાવ્યા હતા. અરોરાએ 35,179 મતો મેળવ્યા, જ્યારે આશુને 24,542 મતો મળ્યા. આ જીત બાદ અરવિંદ કેજરીવાલના રાજ્યસભા પ્રવેશની અટકળો ઉભી થઈ, પરંતુ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, “હું રાજ્યસભા નથી જઈ રહ્યો. નવા સભ્યનું નામ પાર્ટીની રાજકીય બાબતોની સમિતિ નક્કી કરશે.” આ નિવેદનથી કેજરીવાલે પોતાની રાજ્યસભા યાત્રાની શક્યતાઓ નકારી કાઢી છે, અને હવે રાજ્યસભા માટે આપના નવા ચહેરા પર સૌની નજર રહેશે.
કેજરીવાલના ઇનકાર બાદ AAPના વરિષ્ઠ નેતા મનીષ સિસોદિયાનું નામ રાજ્યસભા માટે સૌથી આગળ મનવામાં છે. દિલ્હીમાં ડેપ્યુટી સીએમ પદના ઉમેદવાર રહેલા સિસોદિયા 2025ની દિલ્હી ચૂંટણીમાં પોતાની બેઠક હારી ગયા હતા. તેઓ હાલ પંજાબના પ્રભારી છે, અને AAPએ અગાઉ પણ પ્રભારી રાઘવ ચઢ્ઢાને રાજ્યસભા મોકલ્યા હતા. સિસોદિયાની મજબૂત નેતૃત્વ ક્ષમતા અને પંજાબના કાર્યકરો સાથેનો સંબંધ તેમને આ રેસમાં મોખરે રાખે છે. લુધિયાના પેટાચૂંટણીમાં તેમણે સક્રિય ભૂમિકા ભજવી હતી, જે તેમની સંભાવનાઓને વધારે છે.
મનીષ સિસોદિયા ઉપરાંત, દિલ્હીની પૂર્વ સરકારમાં મંત્રી રહેલા સત્યેન્દ્ર જૈનનું નામ પણ રાજ્યસભા માટે ચર્ચામાં છે. 2015થી 2023 સુધી કેજરીવાલ સરકારમાં મંત્રી રહેલા જૈન પણ 2025ની દિલ્હી ચૂંટણીમાં શકૂર બસ્તી બેઠક હારી ગયા હતા. કેજરીવાલના વિશ્વાસુ સાથી તરીકે ઓળખાતા જૈન પંજાબમાં સહ-પ્રભારી તરીકે કામ કરે છે. તેમની રાજકીય અનુભવ અને પાર્ટીમાં મજબૂત પકડ તેમને રાજ્યસભા માટે મજબૂત દાવેદાર બનાવે છે, પરંતુ અંતિમ નિર્ણય હજુ બાકી છે.
AAP પાસે ત્રીજો વિકલ્પ એ છે કે પંજાબની રાજ્યસભા બેઠક માટે સ્થાનિક નેતાને પસંદ કરવામાં આવે. પંજાબના સ્થાનિક નેતાઓમાં દિલ્હીના નેતાઓને રાજ્યસભા મોકલવાથી પાર્ટીને નુકસાન થઈ શકે છે, તેવી ચર્ચા ચાલી રહી છે. 2027ની પંજાબ વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને, પંજાબી અસ્મિતાને મહત્ત્વ આપવા માટે AAP સ્થાનિક ચહેરા પર દાવ લગાવી શકે છે. આ વિકલ્પ પંજાબના કાર્યકરોની લાગણીઓને સંતુલિત કરી શકે છે અને પાર્ટીની સ્થાનિક સ્તરે સ્વીકૃતિ વધારી શકે છે.
આપણ વાંચો: બિહારમાં લાલુ યાદવના બે દીકરા સામસામે, તેજપ્રતાપના મોરચામાં ક્યા 5 પક્ષ જોડાયા ?