પ્રજાસત્તાક દિવસની પરેડમાંથી દિલ્હીની ઝાંખી બાકાત, કેજરીવાલની ટીકા પર સંરક્ષણ મંત્રાલયે આપી સ્પષ્ટતા

નવી દિલ્હીઃ જેમ જેમ દિલ્હી વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ આમ આદમી પાર્ટી (AAP)અને ભાજપ વચ્ચે રાજકીય લડાઈ તેજ થઈ ગઈ છે. દિલ્હીના પૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકાર પર તેમની પાર્ટી વિરુદ્ધ બદલાની રાજનીતિ કરવાનો આરોપ લગાવતા કહ્યું છે કે કેન્દ્ર સરકારનો ગણતંત્ર દિવસની પરેડમાં દિલ્હીની ઝાંખી સામેલ નહીં કરવાનું કારણ રાજકીય બદલો લેવાનું છે.
કેજરીવાલે ભારતીય જનતા પાર્ટી (BJP) પર પણ નિશાન સાધતા કહ્યું હતું કે દિલ્હી રાષ્ટ્રીય રાજધાની છે, તેથી દર વર્ષે પ્રજાસત્તાક દિવસની પરેડમાં તેની ઝાંખીને સામેલ કરવી જોઈએ. કેજરીવાલે એક પ્રેસ કોન્ફરન્સમાં ભાજપને પૂછ્યું હતું કે , “હું તેમને પૂછવા માંગુ છું – આ વર્ષે ફરી એકવાર દિલ્હીની ઝાંખી શા માટે સામેલ કરવામાં આવી રહી નથી? શા માટે દિલ્હીના લોકોને પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં ભાગ લેવાથી રોકવામાં આવી રહ્યા છે?” દિલ્હીની ઝાંખી ઘણા વર્ષોથી ગાયબ હોવાનો દાવો કરતા કેજરીવાલે કહ્યું હતું કે, “આ કેવું રાજકારણ છે? દિલ્હી અને તેના લોકો પ્રત્યે આટલી નફરત શા માટે છે?
જો આ નેતાઓ આટલી દુશ્મનાવટ ધરાવે છે, તો દિલ્હીના લોકો શા માટે મત આપે છે તેને (ભાજપને) ?” દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી આવતા વર્ષે ફેબ્રુઆરીમાં યોજાય તેવી શક્યતા છે.
ભાજપે વળતો પ્રહાર કર્યો
દિલ્હી ભાજપના અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ AAPના વડા કેજરીવાલ પર વળતો પ્રહાર કરતા દાવો કર્યો હતો કે જ્યારે પણ રાષ્ટ્રીય તહેવાર આવે છે ત્યારે કેજરીવાલ તેમનો ‘સાચો રંગ’ બતાવે છે. સચદેવાએ કહ્યું, “દિલ્હીના લોકો 2014ની ઘટનાને ભૂલ્યા નથી, જ્યારે આખું શહેર ગણતંત્ર દિવસની ઉજવણીની તૈયારી કરી રહ્યું હતું, પરંતુ કેજરીવાલે વિરોધ કરીને તેની ગરિમાને કલંકિત કરી હતી.” તેમણે એમ પણ કહ્યું કે ગણતંત્ર દિવસની પરેડ માટે ઝાંખી પસંદ કરવાનો નિર્ણય નામાંકિત સમિતિ દ્વારા લેવામાં આવે છે અને તેમની સંખ્યા પણ મર્યાદિત છે, જે કેજરીવાલ સારી રીતે જાણે છે. ભાજપના નેતા સચદેવાએ કહ્યું હતું કે, “દિલ્હીમાં ચૂંટણી નજીક આવી રહી છે, તેથી કેજરીવાલ લોકોનું ધ્યાન વાસ્તવિક મુદ્દાઓ પરથી હટાવવા માંગે છે.”
કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સમાં ભાજપ પર નિશાન સાધ્યું હતું અને દાવો કર્યો હતો કે તેના ચૂંટણી પ્રચારમાં ‘દિલ્હીના લોકો માટે કોઈ પ્રવચન, વિઝન કે કાર્યક્રમ નથી’. AAPના નેતા કેજરીવાલે કહ્યું હતું કે, “જો તેઓ સરકાર બનાવશે તો તેઓ શું કરશે તે બતાવવાની તેમની પાસે કોઈ યોજના નથી.” ભાજપનું એકમાત્ર મિશન ‘કેજરીવાલ હટાઓ’ હોવાનો આક્ષેપ કરતાં કેજરીવાલે પ્રશ્ન કર્યો હતો કે શું લોકોએ કોઈ પક્ષને માત્ર એટલા માટે મત આપવો જોઈએ કારણ કે તે અન્ય પક્ષોનું અપમાન કરે છે!
રક્ષા મંત્રાલયે કરી સ્પષ્ટતાઃ-
અરવિંદ કેજરીવાલે કેન્દ્ર પર પ્રજાસત્તાક દિવસની પરેડમાંથી દિલ્હીની ઝાંખીને જાણીજોઈને બાકાત રાખવાનો આરોપ લગાવ્યા બાદ સંરક્ષણ મંત્રાલય (MoD)એ સ્પષ્ટતા જારી કરી છે અને ઝાંખીની પસંદગી પ્રક્રિયાને ન્યાયી અને પારદર્શક ગણાવી છે. દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકાર પર ઈરાદાપૂર્વક દિલ્હીની ઝાંખીને પરેડમાં સામેલ ન કરવાનો આરોપ લગાવ્યો હતો. આના પર MoDએ કહ્યું હતું કે ઝાંખી પસંદગી પ્રક્રિયા રોસ્ટર સિસ્ટમ હેઠળ કરવામાં આવે છે, જેમાં દર ત્રણ વર્ષે 15 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનો સમાવેશ કરવામાં આવે છે.
Also Read – યુપીના સંભલ મુદ્દે અખિલેશ યાદવે ભાજપની કાઢી ઝાટકણી, નેતાઓ અંગે કહ્યું કે…
મંત્રાલયના જણાવ્યા અનુસાર, દિલ્હીને 2025 માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યું હતું, પરંતુ ઝાંખી પસંદગી સમિતિએ તેના પ્રસ્તાવને મંજૂરી આપી ન હતી. મિઝોરમ અને સિક્કિમે તેમની દરખાસ્તો મોકલી ન હતી, જ્યારે આંદામાન અને નિકોબાર ટાપુઓ અને લક્ષદ્વીપે પસંદગીની બેઠકમાં હાજરી આપી ન હતી. આ વર્ષે પસંદ કરાયેલા રાજ્યોમાં પંજાબ (જેમાં આમ આદમી પાર્ટીનું શાસન છે), આંધ્રપ્રદેશ, ગુજરાત, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે. સંરક્ષણ મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી કે ટેબ્લોની પસંદગી પ્રક્રિયા સંપૂર્ણપણે સર્જનાત્મકતા અને યોગ્યતા પર આધારિત છે અને કોઈ રાજકીય જોડાણ પર નહીં.