કેજરીવાલે કહ્યું આપણે દેશને સરમુખત્યારશાહીથી બચાવવાનો છે, કાલે કરશે પ્રેસ કોન્ફરન્સ

નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ શુક્રવારે (10 મે) સાંજે 6.55 કલાકે તિહાર જેલમાંથી બહાર આવ્યા હતા. આ પહેલા સુપ્રીમ કોર્ટે તેમને 1 જૂન સુધી વચગાળાના જામીન આપ્યા હતા. તેમને 2 જૂને કોઈપણ સંજોગોમાં આત્મસમર્પણ કરવા માટે કહેવામાં આવ્યું છે. કેજરીવાલ તિહાર જેલમાંથી બહાર આવ્યા ત્યારે તેમના સ્વાગત માટે તિહારની બહાર મોટી સંખ્યામાં AAP કાર્યકર્તાઓ હાજર હતા. તેઓ અહીંથી સીધા તેમની પત્ની અને પુત્રી સાથે સીએમ આવાસ માટે રવાના થયા હતા.
સુપ્રીમ કોર્ટમાંથી વચગાળાના જામીન મળ્યા બાદ 50 દિવસ બાદ તિહાર જેલમાંથી બહાર આવેલા કેજરીવાલે કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું,’મેં કહ્યું હતું કે હું જલ્દી આવીશ, હું અહીં છું. સૌથી પહેલા હું હનુમાનજીના ચરણોમાં પૂજા કરવા માંગુ છું, હનુમાનજીના આશીર્વાદથી આજે હું તમારી વચ્ચે છું, હું તમારા બધાનો આભાર માનું છું. દેશભરના કરોડો લોકોએ મને તેમની પ્રાર્થના અને તેમના આશીર્વાદ મોકલ્યા છે. હું સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોનો આભાર માનું છું જેમના કારણે આજે હું તમારી વચ્ચે છું.
આપણ વાંચો: Arvind Kejriwal Bail: જેલમાંથી બહાર આવ્યા પછી અરવિંદ કેજરીવાલનો પ્લાન શું હશે?
કેજરીવાલે વધુમાં કહ્યું, આપણે બધાએ સાથે મળીને દેશને તાનાશાહીથી બચાવવાનો છે. હું તન, મન અને ધનથી લડી રહ્યો છું, હું સરમુખત્યારશાહી સામે લડી રહ્યો છું, પરંતુ 140 કરોડ લોકોએ સરમુખત્યારશાહી સામે લડવું પડશે.
અરવિંદ કેજરીવાલે એમ પણ કહ્યું કે તેઓ શનિવારે સવારે 11 વાગ્યે દિલ્હીના કનોટ પ્લેસમાં આવેલા હનુમાન મંદિરની મુલાકાત લેશે. તેમણે પોતાના સમર્થકોને ત્યાં પહોંચવા માટે પણ હાકલ કરી છે. કેજરીવાલે કહ્યું છે કે તેઓ શનિવારે બપોરે 1 વાગ્યે પાર્ટી ઓફિસમાં પ્રેસ કોન્ફરન્સ પણ કરશે.
ઉલ્લેખનીય છે કે કેજરીવાલ દિલ્હી લિકર પોલિસી કેસમાં 1 એપ્રિલ (39 દિવસ) થી તિહાર જેલમાં બંધ હતા. કોર્ટે આજે બપોરે 2 વાગ્યે એક જ લાઇનમાં પોતાનો ચુકાદો જાહેર કર્યો હતો. જો કે, તેમના વકીલે 5 જૂન સુધી મુક્ત કરવાની વિનંતી કરી હતી, જેને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું કે ચૂંટણી પ્રક્રિયા 1 જૂને સમાપ્ત થશે.