કેજરીવાલે કહ્યું પહેલાં પણ કંઈ નહોતું મળ્યું અને અત્યારે પણ કંઈ નહિ મળે…
નવી દિલ્હી: સીબીઆઈએ બુધવારથી દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના સત્તાવાર નિવાસસ્થાનના રીનોવેશનમાં નકામા ખર્ચ અથવા નાણાકીય ગેરરીતિઓની તપાસ શરૂ કરી હતી.
દિલ્હીના મુખ્ય પ્રધાન આવાસના રિનોવેશન કેસમાં CBI તપાસ અંગે અરવિંદ કેજરીવાલે કહ્યું કે આ કંઈ પહેલીવાર નથી થયું મારી સાથે. અત્યાર સુધીમાં 50થી વધુ તપાસ કરવામાં આવી છે. 33થી વધુ કેસ દાખલ કરવામાં આવ્યા છે. એક પણ તપાસમાં કંઈ મળ્યું નથી અને હજુ પણ કંઈ નહિ મળે. આ તપાસ આવકાર્ય છે, તમે ગમે તેટલી નકલી તપાસો કરો પરંતુ કેજરીવાલ ઝૂકવાના નથી. પણ જો આ તપાસમાં કંઈ નહીં મળે તો શું વડા પ્રધાન રાજીનામું આપશે?
આ વર્ષે મે મહિનામાં દિલ્હીના એલજી વીકે સક્સેનાએ સીબીઆઈ ડાયરેક્ટરને પત્ર લખીને તપાસની માંગ કરી હતી. ગૃહ મંત્રાલયે દિલ્હીના સીએમ આવાસમાં થયેલા કથિત કૌભાંડની સીબીઆઈ તપાસના આદેશ આપ્યા છે. આ મામલે ગૃહ મંત્રાલય દ્વારા વિશેષ ઓડિટનો આદેશ આપવામાં આવ્યો છે.
દિલ્હી બીજેપી અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ કહ્યું કે સીએમ અરવિંદ કેજરીવાલના આલીશાન મહેલમાં સીબીઆઈ તપાસ શરૂ થવાની છે. બીજેપી પહેલા દિવસથી કહી રહી હતી કે આ આલીશાન બંગલાના રિનોવેશનમાં ઘણો ભ્રષ્ટાચાર થયો છે. નિયમોનો ભંગ કરવામાં આવ્યો છે. આજે જ્યારે સીબીઆઈ તપાસ શરૂ થઈ છે ત્યારે આશા છે કે સત્ય બહાર આવશે.
દિલ્હી સીએમ હાઉસને લઈને દિલ્હી ભાજપના નેતાઓએ ઘણા આરોપો લગાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે અરવિંદ કેજરીવાલે કોવિડના સમય દરમિયાન પોતાના ઘર અને ઓફિસ પર અંદાજે 45 કરોડ રૂપિયા ખર્ચ્યા છે તે તેમની અસંવેદનશીલતાનો મોટો પુરાવો છે.
ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ જણાવ્યું હતું કે નિવાસ માટે ખરીદેલા આઠ નવા પડદામાંથી એકની કિંમત 7.94 લાખ રૂપિયાથી વધુ છે જ્યારે સૌથી સસ્તા પડદાની કિંમત 3.57 લાખ રૂપિયા છે. સંબિત પાત્રાએ વધુમાં કહ્યું હતું કે વિયેતનામથી રૂ. 1.15 કરોડથી વધુની કિંમતનો માર્બલ લાવવામાં આવ્યો હતો, જ્યારે પ્રી-ફેબ્રિકેટેડ લાકડાની દિવાલો પર રૂ. 4 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો.