કોંગ્રેસ-આપ મતભેદ અંગે કેજરીવાલે કહ્યું- ‘આપ ઈન્ડિયા અલાયન્સ સાથે છે’
પંજાબ પોલીસે 2015ના ડ્રગ્સ કેસમાં કોંગ્રેસના વિધાનસભ્ય સુખ પાલ સિંહ ખૈરાની ધરપકડ કરી હતી. આ ધરપકડ બાદ પંજાબની આમ આદમી પાર્ટી સરકાર અને કોંગ્રેસ વચ્ચે મતભેદોના અહેવાલો સામે આવવા લાગ્યા હતા. બંને પક્ષો વિપક્ષી ગઠબંધન ‘ઇન્ડિયા’નો ભાગ છે. આ મામલે દિલ્હીના મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે તેમની પાર્ટી ઇન્ડિયા ગઠબંધન માટે પ્રતિબદ્ધ છે. તેમણે ગઠબંધનના વડા પ્રધાનપદના ચહેરા વિશે પણ વાત કરી.
દિલ્હીમાં મીડિયા સાથે વાતચીત દરમિયાન અરવિંદ કેજરીવાલને કોંગ્રેસના વિધાનસભ્યની ધરપકડ અંગે પૂછવામાં આવ્યું. તેમણે કહ્યું કે મને જાણવા મળ્યું છે કે પંજાબ પોલીસે કોંગ્રેસના નેતાની ધરપકડ કરી છે. મારી પાસે આ અંગે વધુ માહિતી નથી. આ અંગે પંજાબ પોલીસ જ વિગતે કહી શકશે. તેમણે કહ્યું કે અમે પંજાબમાં ડ્રગ્સ વિરુદ્ધ યુદ્ધ છેડ્યું છે. હું કોઈ વ્યક્તિગત બાબત અથવા વ્યક્તિ પર ટિપ્પણી કરવા માંગતો નથી. પરંતુ અમે નશાકારક દ્રવ્યોના વ્યસનને દૂર કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છીએ.
સીટ શેરિંગ ફોર્મ્યુલા વિશે કેજરીવાલે કહ્યું કે, ‘ઈન્ડિયા એલાયન્સ દ્વારા હજુ સુધી સીટ શેરિંગ ફોર્મ્યુલા તૈયાર કરવામાં આવી નથી. થોડો સમય આપો. ટૂંક સમયમાં ફોર્મ્યુલા તૈયાર થઈ જશે.’
એવું માનવામાં આવે છે કે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને તેલંગાણા સહિત પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પછી જ બેઠકોની વહેંચણી કરવામાં આવશે. આ ચૂંટણીઓમાં જે પાર્ટી લીડ મેળવશે તેને વધુ સીટો આપવામાં આવી શકે છે.
વડા પ્રધાન પદના ઉમેદવાર મુદ્દે અરવિંદ કેજરીવાલે કહ્યું કે અમારું એક જ સ્ટેન્ડ છે કે એવી વ્યવસ્થા ઊભી કરવી જોઈએ કે આ દેશના 140 કરોડ લોકોને લાગે કે દરેક વ્યક્તિ વડાપ્રધાન છે. આપણે લોકોને સશક્ત બનાવવાના છે. અમે કોઈ એક વ્યક્તિને સશક્ત કરવા નથી માંગતા.
પંજાબમાં કોંગ્રેસના વિધાન સભ્યની ધરપકડ પછી, ચર્ચાઓનું થઇ રહી હતી કે AAP અને કોંગ્રેસ વચ્ચેના મતભેદને કારણે ગઠબંધનમાં ભંગાણ પડી શકે છે.