કેજરીવાલને EDના સમન્સની અવગણના ભારે પડી, આવતી કાલે કોર્ટમાં હાજર થવું પડશે
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી નજીકમાં છે ત્યારે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની મુશ્કેલીમાં વધારો થયો છે, અરવિંદ કેજરીવાલને આવતી કાલે એસીએમએમ કોર્ટમાં હાજર થવું પડશે.
દિલ્હી લિકર પોલિસી કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રાઉઝ એવન્યુ કોર્ટ દ્વારા જારી કરાયેલા સમન્સને સેશન્સ કોર્ટમાં પડકાર્યા હતા, જેના માટે કોર્ટે આજે તેમને ઝટકો આપ્યો છે.
દિલ્હી લિકર પોલિસી કેસમાં પાઠવવામાં આવેવા સમન્સને પડકારવા મામલે સેશન્સ કોર્ટમાંથી સીએમ કેજરીવાલને વચગાળાની રાહત મળી નથી. સેશન્સ કોર્ટે ટ્રાયલ કોર્ટની કાર્યવાહી પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો છે. કોર્ટે વચગાળાની રાહત માટે ટ્રાયલ કોર્ટના દરવાજા ખખડાવવા માટે કહ્યું હતું.
રાઉઝ એવન્યુ કોર્ટની સેશન્સ કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદોના આધારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આપવામાં આવેલા સમન્સ પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો છે. અરવિંદ કેજરીવાલ દ્વારા તેના સમન્સની અવગણના કર્યા બાદ EDએ નીચલી કોર્ટમાં અરજી કરી હતી.
દિલ્હીના સીએમ કેજરીવાલે એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ (ACMM) દિવ્યા મલ્હોત્રાના આદેશ સામે સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી, જેમણે કેજરીવાલને 16 માર્ચે કોર્ટમાં હાજર થવાનો નિર્દેશ આપ્યો હતો. EDએ મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ બે ફરિયાદો દાખલ કરી હતી, જેમાં કેજરીવાલને આ કેસમાં જારી કરાયેલા 8 સમન્સને અવગણવા બદલ તેમની સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી.
EDએ જણાવ્યું હતું કે નવી ફરિયાદ આમ આદમી પાર્ટી (AAP) ના રાષ્ટ્રીય સંયોજક દ્વારા પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) ની કલમ 50 હેઠળ ED દ્વારા મોકલવામાં આવેલા સમન્સ નંબર ચારથી આઠનું સન્માન ન કરવા સંબંધિત છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ, EDએ મેજિસ્ટ્રેટ કોર્ટમાં અરજી દાખલ કરી હતી અને હવે બંધ થઈ ગયેલી દિલ્હી એક્સાઈઝ પોલિસીથી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં પહેલા ત્રણ સમન્સનું પાલન ન કરવા બદલ તેમની વિરુદ્ધ કાર્યવાહી ચલાવવાની માંગ કરી હતી.
ACMM કોર્ટે 16 માર્ચે સુનાવણી માટે અન્ય ફરિયાદ સાથે કેસ (સમન્સ નંબર એકથી ત્રણ અંગે) લિસ્ટ કર્યો છે. EDએ કહ્યું કે કેજરીવાલે અત્યાર સુધી એજન્સી દ્વારા પાઠવવામાં આવેલા 8 સમન્સની અવગણના કરી છે.