Kejriwal: ‘હું મરી જાઉં તો દુઃખી ન થતા’ ફરી જેલમાં જતા પહેલા કેજરીવાલનો ભાવુક સંદેશ

દિલ્હી લીકર પોલિસી(Delhi Liquor policy) સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં આરોપી દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal)ના જામીન 1લી જુનના રોજ પુરા થવાના છે, 2જી તારીખે ફરી જેલમાં જતા પહેલા કેજરીવાલે દિલ્હીના લોકોને ભાવનાત્મક અપીલ કરી છે.
કેજરીવાલે કહ્યું કે જ્યારે હું જેલમાં જઈશ ત્યારે, મારા માતા-પિતાનું ધ્યાન રાખજો અને તેમના માટે પ્રાર્થના કરજો. તેમણે આશંકા વ્યક્ત કરી હતી કે આ વખતે તેમને જેલમાં વધુ ત્રાસ આપવામાં આવી શકે છે. તેમણે કહ્યું કે દેશને બચાવવા માટે જો કોઈને પોતાનો જીવ આપવો પડે તો પણ લોકોએ દુઃખી ન થવું જોઈએ.
વચગાળાના જામીન માટે સુપ્રીમ કોર્ટનો આભાર વ્યક્ત કરતા કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, ‘મારે પરમ દિવસે આત્મસમર્પણ કરવું પડશે. મને ખબર નથી કે આ લોકો મને કેટલો સમય જેલમાં રાખશે, પરંતુ તેઓ મને તોડી શકશે નહીં. જેલમાં, તેમણે ઘણા દિવસો સુધી ઇન્સ્યુલિનના ઇન્જેક્શન બંધ કર્યા. મારું વજન ઘટ્યું. મારું કીટોન લેવલ પણ ઘણું વધી ગયું છે. ખબર નથી કે આ લોકો આવું કેમ કરવા માંગે છે. હું શરણાગતિ માટે આવતીકાલે 3 વાગે મારા ઘરેથી નીકળીશ.’
કેજરીવાલે કહ્યું કે આ વખતે તેમને વધુ ત્રાસ આપવામાં આવી શકે છે. કેજરીવાલે દિલ્હીના લોકોને આશ્વાસન આપ્યું કે તમારું કામ અટકશે નહીં. તમારી સંભાળ રાખજો. મને જેલમાં તમારી ચિંતા થાય છે. જો તમે ખુશ છો તો તમારો કેજરીવાલ પણ ખુશ થશે. તમારા બધા કામ ચાલુ રહેશે, હું ગમે ત્યાં હોઉં, હું દિલ્હીનું કામ અટકવા નહીં દઉં. તમારી મફત વીજળી, મોહલ્લા ક્લિનિક, મફત દવા, મફત બસ મુસાફરી, બધા કામ ચાલુ રહેશે. પાછા ફર્યા પછી, હું દરેક માતાઓ અને બહેનોને દર મહિને હજાર રૂપિયા આપવાનું શરૂ કરીશ.
આ પણ વાંચો : Swati Maliwal Case : ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ અરવિંદ કેજરીવાલના મૌન પર ઉઠાવ્યા વેધક સવાલ
કેજરીવાલે કહ્યું, “આજે હું તમારી પાસે મારા પરિવાર માટે કંઈક માંગવા માંગુ છું. મારા માતા-પિતા વૃદ્ધ છે. મારી માતા બીમાર રહે છે. હું જેલમાં તેમના વિશે ખૂબ ચિંતિત રહું છું. મારા જેલમાં ગયા પછી મારા માતા-પિતાની સંભાળ રાખજો અને તેમના માટે ભગવાનને પ્રાર્થના, પ્રાર્થનામાં મોટી શક્તિ છે. જો તમે દરરોજ મારી માતા માટે પ્રાર્થના કરશો, તો તે ચોક્કસપણે સ્વસ્થ રહેશે.’
તેમણે વધુમાં લખ્યું કે, ‘મારી પત્ની સુનીતા ખૂબ જ મક્કમ છે. તેણે જીવનના દરેક મુશ્કેલ સમયમાં મારો ખૂબ સાથ આપ્યો છે. જ્યારે મુશ્કેલ સમય આવે છે, ત્યારે આખો પરિવાર એક સાથે આવે છે. તમે બધાએ મુશ્કેલ સમયમાં મારો ખૂબ સાથ આપ્યો છે. આપણે બધા સાથે મળીને સરમુખત્યારશાહી સામે લડી રહ્યા છીએ. જો મને દેશ બચાવવા માટે કંઇક થઇ જાય, મારો જીવ પણ ગુમાવવો પડે તો દુઃખી ન થતા. તમારી પ્રાર્થનાને કારણે જ હું આજે જીવિત છું અને તમારા આશીર્વાદ ભવિષ્યમાં પણ મારી રક્ષા કરશે. અંતે હું એટલું જ કહેવા માંગુ છું કે, ભગવાન ઈચ્છે તો તમારો દીકરો જલ્દી પાછો આવશે. જય હિંદ.”