Kejriwal-ED: અરવિંદ કેજરીવાલને રાહત મળશે! રાઉઝ એવન્યુ કોર્ટમાં સુનાવણી પૂર્ણ
દિલ્હી લિકર પોલિસી સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસ હેઠળ 21 માર્ચે ED દ્વારા દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી હતી. આ પછી કોર્ટે કેજરીવાલને 28 માર્ચ સુધી EDની કસ્ટડીમાં મોકલી દીધા હતા. કસ્ટડીનો આજે જ અંત આવી રહ્યો છે, ત્યારે EDએ કેજરીવાલને રાઉઝ એવન્યુ કોર્ટમાં હાજર કર્યા હતા. EDએ વધુ 7 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, કોર્ટે આ અંગે નિર્ણય અનામત રાખ્યો છે.
કોર્ટમાં અરવિંદ કેજરીવાલે પૂછ્યું કે મારી ધરપકડ કેમ કરવામાં આવી? તેમણે કહ્યું કે ઘણા નેતાઓ મારા ઘરે આવે છે. શું એક મુખ્ય પ્રધાનની ધરપકડ માટે આ કારણ હોઈ શકે? સાથે અરવિંદ કેજરીવાલે કોર્ટમાં દાવો કર્યો હતો કે લોકો EDના દબાણમાં સાક્ષી બની રહ્યા છે અને નિવેદનો આપી રહ્યા છે. આ કેસ બે વર્ષથી ચાલી રહ્યો છે, પરંતુ હવે મારી ધરપકડ કરવામાં આવી છે. કોઈ કોર્ટે મને દોષિત ઠેરવ્યો નથી.
આ પણ વાંચો : અરવિંદ કેજરીવાલની તબિયત લથડી, EDની કસ્ટડીમાં સુગર લેવલ ઘટીને 46 થયું
આ સાથે અરવિંદ કેજરીવાલે કોર્ટમાં ED અધિકારીઓનો આભાર માન્યો અને કહ્યું કે પૂછપરછ ખૂબ જ સારા વાતાવરણમાં થઈ રહી છે.
કેજરીવાલે કહ્યું કે અમે રિમાન્ડની વિરુદ્ધ નથી, EDને જોઈએ એટલો સમય લઇ લે. EDની તપાસ બાદ દારૂનું અસલી કૌભાંડ શરૂ થયું. EDનો ઉદ્દેશ્ય આમ આદમી પાર્ટીને ખતમ કરવાનો છે. ED ધમકી આપીને પૈસા પડાવી રહી છે, શરદ રેડ્ડીએ 55 કરોડ રૂપિયા આપ્યા. 55 કરોડ રૂપિયાના બોન્ડ કોર્ટમાં આપવા જોઈએ. ED ખંડણી રેકેટ ચાલવી રહ્યું છે.
અરવિંદ કેજરીવાલે કહ્યું કે સિસોદિયાની હાજરીમાં કેટલાક દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા હતા. મારા ઘરે ઘણા વિધાન સભ્યો આવતા રહે છે. હું કેવી રીતે જાણું કે તેઓ શું વાતો કરે છે? શ્રીનિવાસ પોતાનું નિવેદન બદલે છે ત્યારે તેને જામીન મળી જાય છે. ઇડી અમને ફસાવવા માંગે છે. હું લેખિત નિવેદન આપીશ. શરદ રેડ્ડી 9 નિવેદનોમાંથી 8 મારા વિરુદ્ધ નથી બોલ્યા. 9મીમાં નિવેદનમાં મારી વિરુદ્ધ બોલે ત્યારે તેને જામીન મળી જાય છે.
કેજરીવાલે કહ્યું મારા પર 100 કરોડ રૂપિયા લેવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. પૈસા ક્યાં છે? પુરાવા આપો. અત્યાર સુધીમાં કોર્ટ સમક્ષ 31000 પાના જમા થયા છે અને સંખ્યાબંધ નિવેદનો નોંધવામાં આવ્યા છે અને 4 નિવેદનોમાં જ મારું નામ છે.
આ પણ વાંચો : CM અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં INDIA ગઠબંધનની મેગા રેલી, દિલ્હીના રામલીલા મેદાનમાં થશે આયોજન
EDએ કોર્ટમાં કેજરીવાલના નિવેદનનો વિરોધ કર્યો હતો. EDએ કહ્યું કે ગોવા ચૂંટણી માટે હવાલા દ્વારા પૈસા આપવામાં આવ્યા હતા. કેજરીવાલ સમગ્ર સુનાવણીને ગેર માર્ગે દોરવા માગે છે. EDએ કહ્યું કે આ મામલો હજુ તપાસના તબક્કામાં છે.