દિલ્હી જલબોર્ડ કેસ: ઇડીના સમન્સ પર હાજર નહીં થયા કેજરીવાલ
નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીના સુપ્રીમો અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે દિલ્હી જલ બોર્ડ કેસમાં આજે ઇડી સમક્ષ હાજર થવાનો ઇનકાર કરી દીધો હતો. આમ આદમી પાર્ટી ઇડીના આ સમન્સને પણ ગેરકાયદેસર ગણાવું હતું એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે રવિવારે કેજરીવાલને દિલ્હી જલ બોર્ડ કૌભાંડ સંબંધિત મની લોન્ડરીંગ કેસમાં સોમવારે પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું હતું. આમ આદમી પાર્ટીએ કેજરીવાલને લોકસભાની ચૂંટણી માટે પ્રચાર કરતા રોકવા માટેનું આ સમન્સ ગણાવ્યું હતું.
ઇડી છેલ્લા કેટલાક મહિનાથી અરવિંદ કેજરીવાલની તપાસ કરવા માગે છે. દિલ્હી લીકર એક્સાઇઝ પોલિસી કેસમાં ડીએ અરવિંદ કેજરીવાલને 9 વખત સમન્સ જારી કર્યા છે, પરંતુ અરવિંદ કેજરીવાલ એક પણ વખત ઇડી સમક્ષ હાજર થયા નથી. આવી સ્થિતિમાં ઇડીએ અન્ય એક કેસમાં કેજરીવાલને સમન્સ જારી કરી તેમની મુશ્કેલીઓ વધારી દીધી છે. ED એટલે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દિલ્હી જલ બોર્ડમાં કથિત ગેરરીતિઓ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં કેજરીવાલને સમન્સ પાઠવ્યા હતા અને હાજર થવા ફરમાન કર્યું હતું.
આમ આદમી પાર્ટીએ જણાવ્યું હતું કે ભાજપે ઈડીની આડમાં લડવાનો પ્રયાસ કરી રહી છે. આમ આદમી પાર્ટીએ સવાલ ઉઠાવ્યો હતો કે જામીન મળ્યા પછી પણ સમન્સ કેમ મોકલવામાં આવી રહ્યા છે. આવા સમન્સ ગેરકાયદેસર છે.
ભાજપે ઇડીના સમન્સ પર ન આવવા બદલ અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધ્યું હતું અને જણાવ્યું હતું કે, ફરી એકવાર સીએમ કેજરીવાલે સાબિત કર્યું છે કે તેમને કાયદાનું કોઈ સન્માન નથી. ઇડીએ તેમને સમન્સ પાઠવ્યા છે અને તેઓ જાણીજોઈને તેને ટાળી રહ્યા છે. કદાચ તેઓ કંઈક છુપાવવાની કોશિશ કરી રહ્યા છે અને તેટલા માટે જ ઇડીથી ભાગી રહ્યા છે.
કેજરીવાલને દિલ્હી લીકર એક્સાઇઝ પોલિસી કેસમાં નવમું સમન્સ જારી કરવામાં આવ્યું છે અને હવે તેમને 21મી માર્ચ માટે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે.