Kejriwal Arrest: ધરપકડ સામે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી, ‘સુનાવણીમાં જાણી જોઈને વિલંબ’ કરવાનો આરોપ

નવી દિલ્હી: દિલ્હી લિકર પોલિસી સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)એ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની ધરપકડ કર્યા બાદ રાજકીય માહોલ ગરમાયો છે. PMLA વિશેષ કોર્ટે કેજરીવાલને કોઈ રાહત આપી ન હતી, હવે કેજરીવાલ ધરપકડ વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટ પહોંચ્યા છે. હાલ કેજરીવાલની અરજી પર સુનાવણી ચાલી રહી છે.
ED દ્વારા ધરપકડ અને નીચલી કોર્ટ દ્વારા તેમણે રિમાન્ડ પર મોકલવા વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. જસ્ટિસ સ્વર્ણકાંતા શર્માની બેંચ આ કેસની સુનાવણી કરી રહી છે. આ દરમિયાન EDએ કહ્યું કે તેમને પિટિશનની કોપી ગઈકાલે જ મળી હતી, તેથી તેમને જવાબ આપવા માટે 3 અઠવાડિયાનો સમય જોઈએ છે.
કેજરીવાલના વકીલ સિંઘવીએ ED દ્વારા કરવામાં આવેલી ધરપકડનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે રિમાન્ડને જ પડકારવામાં આવી છે, જે આવતીકાલે સમાપ્ત થઈ રહી છે, તેથી જ અમે કોર્ટને ધરપકડ અને રિમાન્ડના મૂળ આધાર નક્કી કરવા માટે કહી રહ્યા છીએ. આ માટે કોઈના જવાબની જરૂર નથી અમે ધરપકડના મૂળ આધારને પડકાર્યો છે. જાણી જોઇને સુનાવણીમાં વિલંબ કરવાનો પ્રયત્ન થઇ રહ્યો છે.
દિલ્હીના પ્રધાન ગોપાલ રાયે કહ્યું કે આજે દિલ્હી વિધાનસભામાં વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. અમે સ્વાસ્થ્ય સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરીશું. જો કે મુખ્ય પ્રધાન કેજરીવાલની ધરપકડ બાદ આ પહેલીવાર ગૃહ બોલાવવામાં આવ્યું છે. આ ધરપકડ પર તમામ વિધાનસભ્યો રોષ વ્યક્ત કરી ચૂક્યા છે.