કેજરીવાલને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડી
નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની મુસીબતો ઓછી થવાના કોઇ એંધાણ દેખાતા નથી. તેઓ ત્રણ દિવસની સીબીઆઇની કસ્ટડીમાં હતા. તેમની આ મુદત આજે પૂરી થતી હતી. દિલ્હીની અદાલતે શનિવારે સીબીઆઈની અરજી સ્વીકારી લીધી અને કથિત દારૂ નીતિ કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસના સંબંધમાં મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટી (આપ) ના કન્વીનર અરવિંદ કેજરીવાલને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યા છે.
આ પણ વાંચો: Arvind Kejriwal Arrest: SCમાં જામીનની સુનાવણી પહેલા CBIએ અરવિંદ કેજરીવાલની કરી ધરપકડ
કેજરીવાલની ત્રણ દિવસની કસ્ટડીની મુદત પૂરી થયા બાદ સીબીઆઈએ તેમને શનિવારે કોર્ટમાં રજૂ કર્યા હતા. વિશેષ ન્યાયાધીશ સુનૈના શર્માએ પહેલા કેજરીવાલને જેલમાં મોકલવાની માંગ કરતી અરજી પર ચુકાદો અનામત રાખ્યો હતો અને બાદમાં 14 દિવસની ન્યાયિક કસ્ટડીનો આદેશ આપ્યો હતો. દિલ્હીના મુખ્ય પ્રધાન કેજરીવાલની તેમની સરકારની દારૂની નીતિમાં ગેરરીતિઓના સંબંધમાં સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. 21 માર્ચે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મની લોન્ડરિંગ કેસમાં તેમની ધરપકડ કરી હતી. તાજેતરમાં કેજરીવાલને નીચલી અદાલતે જામીન આપ્યા હતા, જેના પર દિલ્હી હાઈકોર્ટે સ્ટે આપ્યો હતો.
આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્યસભાના સાંસદ સંજય સિંહે CBI દ્વારા અરવિંદ કેજરીવાલની ધરપકડ પર કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે કેન્દ્રની સરમુખત્યાર સરકારે કેજરીવાલને અલગ-અલગ ખોટા કેસ કરીને જેલમાં પૂર્યા છે. સંજય સિંહે કહ્યું કે ED કોર્ટે અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા છે. પીએમએલએમાં જામીનનો અર્થ એવો થાય છે કે કોર્ટે આરોપી વ્યક્તિને પ્રથમ દૃષ્ટિએ નિર્દોષ ગણ્યો છે.
આ પણ વાંચો: Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલને કોર્ટ તરફથી રાહત નહીં, આવતી કાલે જેલમાં પરત ફરશે
સુપ્રીમ કોર્ટમાં જામીનની કાર્યવાહી પહેલા અરવિંદ કેજરીવાલની સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. સીબીઆઈ જેમ્સ બોન્ડની કલ્પનાઓને જીવંત કરી રહી છે. આવી કાલ્પનિક વાર્તાઓ કોર્ટ સમક્ષ ટકી જ નથી. હેમંત સોરેનના કિસ્સામાં આવું જોવા મળ્યું હતું. હેમંત સોરેનને પાંચ મહિના સુધી જેલમાં રાખવામાં આવ્યા હતા, ત્યાર બાદ તેમની સામે કોઇ પુરાવાઓ નહીં મળતા તેમને છોડી મૂકવામાં આવ્યા હતા. શું પીએમ મોદી હેમંત સોરેનની માફી માગશે? એવો સવાલ તેમણે કર્યો હતો.