
કઠુઆ: જમ્મુ અને કાશ્મીરના કઠુઆ જિલ્લામાં મંગળવારે સાંજે શરુ થયેલા એન્કાઉન્ટર(Kathua Encounter)માં બે આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે, મળતી માહિતી મુજબ આતંકવાદીઓ સામેની કાર્યવાહી દરમિયાન સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ(CRPF) એક જવાન પણ શહીદ થયો છે.
અહેવાલ મુજબ CRPF જવાન કબીર દાસ કઠુઆ જિલ્લાના સૈદા સુખલ ગામમાં સવારે 3 વાગ્યાની આસપાસ છુપાયેલા આતંકવાદી દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં ગંભીર રીતે ઘાયલ થયા હતા, અધિકારીઓએ જણાવ્યું હતું કે, તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો આવ્યો હતો, સારવાર છતાં તેનો જીવ બચાવી ન શકાયો.
બે આતંકવાદીઓ ગઈકાલે રાત્રે કઠુઆ જીલ્લાના એક ગામમાં એક ઘરમાં ઘૂસી ગયા હતા અને પાણી માંગ્યું હતું, ત્યારબાદ તેઓએ ગોળીબાર કર્યો હતો અને એક નાગરિકને ઘાયલ થયો હતો. ત્યારબાદ પોલીસ અને અર્ધલશ્કરી દળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન, એક આતંકવાદી માર્યો ગયો, જયારે બીજો ભાગવામાં સફળ થયો હતો.
આ પણ વાંચો : Jammu and Kashmir: ડોડામાં આતંકવાદી હુમલો, સેનાના પાંચ જવાન ઘાયલ; કઠુઆમાં એક આતંકવાદી ઠાર
બુધવારે સવારે, સર્ચ ઓપરેશન દરમિયાન, આતંકવાદીએ જંગલ વિસ્તારમાંથી ગોળીબાર કર્યો હતો, જેમાં CRPF જવાન શહીદ થયો. ગોળીઓ કઠુઆના એસએસપી અનાયત અલી ચૌધરીના વાહન અને ડીઆઈજી જમ્મુ-સામ્બા-કઠુઆ રેન્જ ડૉ. સુનિલ ગુપ્તાના એસ્કોર્ટ વાહનને પણ વાગી હતી. બીજા આતંકવાદીને પણ ઠાર કરવામાં આવ્યો છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે વધુ આતંકવાદીઓ છુપાયા હોવાની શક્યતાને આધારે આ વિસ્તારમાં શોધખોળ ચાલુ છે. દરમિયાન, રામગઢ વિસ્તારમાં બે આતંકવાદીઓ જોવા મળ્યા હોવાના અહેવાલને પગલે શોધખોળ પણ શરૂ કરવામાં આવી છે. આતંકવાદીઓએ સરહદ પારથી ભારતમાં ઘૂસણખોરી કર્યા હોવાનું માનવામાં આવે છે.
પોલીસે જણાવ્યું હતું કે આ વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે, અને CRPFની મદદથી ઘર-ઘર તપાસ ચાલી રહી છે.