પહેલગામ હુમલા પર કાશ્મીરની પ્રતિક્રિયા બિલકુલ અલગ રહી! આ ચાર વાતો ખાસ વાંચવી જોઈએ

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા હુમલામાં 28 લોકોના મોત થયાં. અત્યારે આખુ પહેલગામ બંધ જોવા મળ્યું. પહેલા જ્યારે કાશ્મીરમાં હુમલાઓ થતા ત્યારે પરિસ્થિતિ કેવી હતી અને કાલે થયેલા હુમલા બાદ કાશ્મીરી લોકોનો પ્રતિભાવ કેવો રહ્યો? બન્નેમાં મોટું અંતર જોવા મળ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, આતંકવાદી હુમલા બાદ જમ્મુ અને કાશ્મીરમાં ચાર ખાસ વાતો જોવા મળી છે. આતંકવાદી હુમલા સામે પહેલગામ સહિત કાશ્મીરના ઘણા વિસ્તારોમાં લોકો વિરોધ પ્રદર્શન કરતા જોવા મળ્યા. આવું પહેલી વાર બન્યું છે કે, જ્યારે કાશ્મીરના લોકો આતંકવાદીઓ વિરુદ્ધ ખુલ્લેઆમ બોલી રહ્યા હોય. આ ઘટનાના વિરોધમાં શાસક અને વિપક્ષી તમામ પક્ષો એક થયા છે. પહેલગામ હુમલા પર કાશ્મીરની પ્રતિક્રિયા આ વખતે અલગ જોવા મળી છે.
આ ચાર બાબતો જે પહેલી વાર જોવા મળી…
આતંકવાદી હુમલાના વિરૂદ્ધમાં સામાન્ય લોકો સાથે રાજકીય પક્ષો, ધાર્મિક અને વેપારી સંગઠનો સહિત આખુ કાશ્મીર એકજુથ જોવા મળ્યું. આવું પહેલા ક્યારેય નથી બન્યું કે, આતંકવાદ સામે આખુ કાશ્મીર એક થયું હોય! શાસક નેશનલ કોન્ફરન્સ, વિપક્ષી પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી, પીપલ્સ પાર્ટી, અપની પાર્ટી અને ઘાટીના રાજકારણમાં મજબૂત પકડ ધરાવતા અન્ય પક્ષોએ ઘાટી બંધને ટેકો આપ્યો છે.
ધાર્મિક સંગઠન મુત્તાહિદી મજલિસ ઉલેમાએ પણ બંધને સમર્થન આપ્યું છે અને આતંકવાદ સામે પોતાના વિરોધ પ્રગટ કર્યો. મીરવાઇઝ ઉમર ફારૂકે આ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા કહ્યું કે જમ્મુ અને કાશ્મીરનો ઇસ્લામિક સમુદાય શોકગ્રસ્ત પરિવારોની સાથે છે. તેમણે લોકોને શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરવા પણ હાકલ કરી છે. આવું આ પહેલા ક્યારેય નથી થયું કે કાશ્મીરી લોકો ખુલ્લેઆમ આંતકવાદના વિરોધ ઉતર્યાં હોય.
જમ્મુ અને કાશ્મીરના લોકોએ પીડિતોની મદદ કરવા માટે હાથ લંબાવ્યો છે. એટલું જ નહીં પરંતુ હુમલાની ઘટના બાદ ટુરિસ્ટ ટેક્સી સ્ટેન્ડ યુનિયને મોડી રાત સુધી સ્ટેન્ડ ચાલુ રાખ્યા હતાં. ટુરિસ્ટ ટેક્સી સ્ટેન્ડ યુનિયન સાથે સંકળાયેલા લોકો મોડી રાત સુધી ટેક્સી સ્ટેન્ડ પર એકઠા રહ્યા અને ટેક્સી યુનિયને એક વીડિયો પણ જાહેર કર્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે, એમ 24 કલાક લોકોની મદદ કરવા તૈયાર છીએ તેના માટે ટેક્સી યુનિયને પોતાનો નંબર પણ જાહેર કર્યો હતો. વધુમાં કહ્યું કે, જેને ટેક્સીની જરૂર હોય, પૈસાની જરૂર હોય, સ્વજનોથી વાત કરવા માટે ફોનની જરૂર હોય તો અમે મદદ કરીશું. એટલું જ નહીં પરંતુ ઘાયલો માટે રહેવાની વ્યવસ્થા કે પછી કોઈને લોહીની પણ જરૂર હોય તો અમે આપીશું.
આપણ વાંચો: પહેલગામ આતંકી હુમલાના ત્રણ આતંકવાદીઓના સ્કેચ સાથે નામ પણ જાહેર, વાંચો આ અહેવાલ…
આ હુમલાનો ઘાટીની અનેક સમાચાર પત્રોએ પણ વિરોધ વ્યક્ત કરી રોષ ઠાલવ્યો હતો. આતંકવાદી હુમલાના વિરોધમાં કાશ્મીર ખીણના ગ્રેટર કાશ્મીર, રાઇઝિંગ કાશ્મીર, કાશ્મીર ઉઝમા, આફતાબ, તૈમિલ ઇર્શાદ જેવા અખબારોએ સમાચારપત્રનું પહેલું પાનું કાળા રંગમાં છાપ્યું. અખબારોમાં કાળા પાના પર હેડલાઇન માટે લાલ અને સફેદ રંગનો ઉપયોગ કર્યો હતો. તેનો અર્થ થયો કે કાશ્મીર હવે બદલવા માંગે છે પરંતુ આતંકવાદ તેની છબીને વારંવાર ખરડી નાખે છે.