કાશ્મીરનાં બદલાતા દ્રશ્યો: 20 વર્ષ બાદ કાશ્મીરી પંડિતોએ કરી પૂજા-અર્ચના,
શ્રીનગર: કાશ્મીરીમાં અમુક દ્રશ્યો ત્યાં બદલાઈ રહેલી પરિસ્થિતિ અને ધીમે ધીમે સામાન્ય થઈ રહેલા વાતાવરણની સાબિતી આપે છે. કાશ્મીરી પંડિતોએ 20 વર્ષ બાદ શનિવારે શોપિયા જિલ્લાના નાદીમાર્ગ ગામમાં પ્રાચીન અર્ધનારીશ્વર મંદિરમાં મૂર્તિ સ્થાપના કરી પૂજા કરી હતી. કેન્દ્રશાસિત પ્રદેશના દૂર-દૂરના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો નાદીમાર્ગ ખાતેના પ્રાચીન મંદિર ખાતે એકઠા થયા હતા અને પૂજામાં ભાગ લેવા માટે મંદિરમાં ઉમટી પડ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે પૂજા સમારોહ 20 વર્ષના અંતરાલ પછી શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાયો હતો. આ સમયે પૂજા કરવા માટે પહોંચેલા કાશ્મીરી પંડિતોનું સ્વાગત સ્થાનિક મુસ્લિમોએ કર્યું હતું.
શોપિયાના ડેપ્યુટી કમિશનર (ડીસી) મોહમ્મદ શાહિદ સલીમ ડારે અર્ધનારીશ્વર મંદિરની મુલાકાત લીધી અને કહ્યું કે આ પ્રસંગ શાંતિ અને સમૃદ્ધિના યુગનું પ્રતિક છે. આ સમારોહમાં જિલ્લા અને અન્ય વિભાગના અધિકારીઓની સાથે સ્થાનિક લોકોએ પણ હાજરી આપી હતી. શ્રદ્ધાળુઓને આવશ્યક સેવાઓ પૂરી પાડવાની સાથે યોગ્ય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી.
ડેપ્યુટી કમિશનરે વ્યવસ્થાની સમીક્ષા કરી હતી અને ભક્તો સાથે વાતચીત કરી અને કોમ્યુનિટી હોલ અથવા યાત્રા ભવન બનાવવાની માંગ સહિત તેમના વિવિધ મુદ્દાઓને સાંભળ્યા હતા. તેમણે આ મુદ્દે તાત્કાલિક પગલાં લેવાની ખાતરી આપી હતી. ડેપ્યુટી કમિશનરે નદીમાર્ગમાં કાશ્મીરી પંડિતોના ખાલી પડેલા ઘરોની પણ મુલાકાત લીધી હતી.