પહલગામ હુમલા પછી કાશ્મીરના પ્રવાસન ક્ષેત્રે સંકટઃ ઓવૈસીનો સરકારને સવાલ…

નવી દિલ્હી: પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ જમ્મુ અને કાશ્મીરમાં પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થયો હોવાના અનેક અહેવાલો સામે આવ્યા હતા. આતંકી હુમલા બાદ પ્રવાસન ક્ષેત્ર પર પડેલી અસર અને વ્યવસાયમાં થયેલા નુકસાન અંગે AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ સંસદમાં સવાલ ઉઠાવ્યો હતો. તેમણે સરકાર પાસેથી આર્થિક અસરના આકલન અને પર્યટકોનો વિશ્વાસ પાછો લાવવા માટે લેવાયેલા પગલાં અંગે વિગતવાર માહિતી માંગી હતી. જેના પ્રત્યુતરમાં પ્રવાસન પ્રધાન ગજેન્દ્રસિંહ શેખાવતે જવાબ આપ્યો હતો.
સરકાર દ્વારા રજૂ કરાયેલા આંકડા અનુસાર 2025માં (જુલાઈ સુધી) જમ્મુ-કાશ્મીરમાં સ્થાનિક પ્રવાસીઓ એટલે કે ડોમેસ્ટિક ટુરિસ્ટ (DTV)ની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. આ આંકડા વર્ષ 2024ની સરખામણીમાં લગભગ 50 ટકા ઓછા છે. વિદેશી પ્રવાસીઓ એટલે કે ફોરેન ટૂરિસ્ટ (FTV)ની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળ્યો છે.
પ્રવાસનને પ્રોત્સાહન આપવા સરકારના પ્રયાસો
જવાબમાં જણાવવામાં આવ્યું હતું કે પ્રવાસન મંત્રાલય દ્વારા દેશભરમાં પર્યટન સંબંધિત માળખાકીય સુવિધાઓ અને સવલતોના વિકાસ માટે વિવિધ યોજનાઓ હેઠળ રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે, જેમાં મુખ્ય યોજનાઓ ‘સ્વદેશ દર્શન’, ‘તીર્થસ્થળ જીર્ણોદ્ધાર અને આધ્યાત્મિક વિરાસત સંવર્ધન અભિયાન (પ્રસાદ)’ અને ‘પર્યટન અવસંરચના વિકાસ માટે કેન્દ્રીય એજન્સીઓને સહાય’નો સમાવેશ થાય છે.
આ ઉપરાંત, મંત્રાલય ઘરેલું અને આંતરરાષ્ટ્રીય બજારોમાં ભારતના વિવિધ પર્યટન સ્થળો અને ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે વિવિધ અભિયાનો અને કાર્યક્રમોનું આયોજન કરે છે. જેમાં ‘દેખો અપના દેશ’, ‘ચલો ઇન્ડિયા’, ‘આંતરરાષ્ટ્રીય પર્યટન માર્ટ’ અને ‘ભારત પર્વ’ જેવી પહેલો સામેલ છે.
નીચેની માહિતી પ્રમાણે સ્પષ્ટપણે દર્શાવે છે કે 2024 સુધી સતત વૃદ્ધિ પામી રહેલા પ્રવાસન ઉદ્યોગને 2025માં ફટકો પડ્યો છે. જવાબમાં સરકારે જણાવ્યું હતું કે આતંકી હુમલા બાદ જમ્મુ અને કાશ્મીરમાં પ્રવાસન પર નિર્ભર સ્થાનિક હિતધારકો પર પડી રહેલા આર્થિક પ્રભાવનું પ્રવાસન મંત્રાલય દ્વારા કોઈ આકલન કરવામાં આવ્યું નથી.
આ પણ વાંચો…ભારતની મોટી સફળતા, અમેરિકાએ પહલગામ હુમલા બાદ ધ રેજિસ્ટેંસ ફ્રન્ટને આતંકી સંગઠન જાહેર કર્યું
વર્ષ | સ્થાનિક પ્રવાસીઓ | વિદેશી પ્રવાસીઓ |
2020 | 25,19,524 | 5,317 |
2021 | 1,13,14,920 | 1,650 |
2022 | 1,84,99,332 | 19,985 |
2023 | 2,06,79,336 | 55,337 |
2024 | 2,35,24,629 | 65,452 |
2025 | 95,92,664 | 19,570 |