નેશનલ

કાશ્મીરના એક ઠગને પીએમઓ ઓફિસર હોવાનો ઢોંગ કરીને છ મહિલાઓ સાથે લગ્ન કર્યા અને..

શ્રીનગર: કાશ્મીરમાંથી એક ચોંકાવનારી ઘટના બની હતી જેમાં એક વ્યક્તિએ પીએમઓ અધિકારી હોવાનો ઢોંગ કરીને અલગ-અલગ ઓળખના બહાને કુલ છ મહિલાઓ સાથે લગ્ન કરવાનો આરોપ છે. ક્યારેક આ આરોપી પોતાને ન્યુરોસર્જન કહેતો, ક્યારેક આર્મી ડોક્ટર તો ક્યારેક એનઆઈએનો સિનિયર ઓફિસર. જોકે આ વ્યક્તિ ન તો કોઇ અધિકારી છે કે ન તો ડોક્ટર, તે એક પ્રોફેશનલ ઠગ છે.

તે દરેક જગ્યાએ પોતાના અલગ અલગ વ્યવસાયો બતાવતો અને તેના માટે તે નકલી પ્રણાણપત્રો પણ રાખતો હતો. આ વ્યક્તિનું નામ સયાદ ઈશાન બુખારી ઉર્ફે ઈશાન બુખારી ઉર્ફે ડૉ. ઈશાન બુખારી છે. 37 વર્ષના બુખારીની ઓડિશાના જયપુર જિલ્લાના નેઉલપુર ગામમાંથી ધરપકડ કરી હતી. આ ઠગ કાશ્મીરના કુપવાડાનો રહેવાસી છે.


તેણે યુ.એસ.ની ટોચની આઇવી લીગ કોલેજ કોર્નેલ યુનિવર્સિટીમાંથી મેડિકલ ડિગ્રીનું પ્રમાણપત્ર ધરાવતું હોવાનું દર્શાવવા માટે નકલી દસ્તાવેજો બનાવ્યા હતા. ડોક્ટર તરીકે તેની ઓળખ ઊભી કરવા માટે તેને તમિલનાડુ કોલેજમાંથી મેડિકલ ડિગ્રીનું પ્રમાણપત્ર પણ બનાવ્યું હતું આ ઉપરાંત પણ તેને ઘણા નકલી પ્રમાણપત્રો બનાવ્યા હતા. એસટીએફના ઇન્સ્પેક્ટર જનરલે જણાવ્યું હતું કે નકલી ઓળખ ધરાવતા આ વ્યક્તિના કથિત રીતે પાકિસ્તાનના કેટલાક લોકો અને કેરળના કેટલાક શંકાસ્પદ લોકો સાથે સંબંધો હતા.

જોકે, હજુ સુધી પોલીસને પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ઈન્ટર સર્વિસ ઈન્ટેલિજન્સ (ISI) સાથે તેનું કનેક્શન મળ્યું નથી. STF ટીમને મળેલી ગુપ્ત માહિતીના આધારે પાડવામાં આવેલા દરોડામાં પોલીસને 100થી વધુ દસ્તાવેજો અને ઘણી વાંધાજનક સામગ્રીઓ પણ જપ્ત કરી હતી.

આ ઠગે ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, કાશ્મીર એમ દેશના વિવિધ ભાગોમાંથી ઓછામાં ઓછી છ મહિલાઓ સાથે લગ્ન કર્યા હતા અને અન્ય મહિલાઓ સાથે પ્રેમ સંબંધો પણ હતા. તે ઘણી વેબસાઇટ્સ અને એપ્સ પર સક્રિય હતો અને લોકોને છેતરવા માટે તેની નકલી ઓળખનો ઉપયોગ કરતો હતો. નોંધનીય છે કે ભારતીય દંડ સંહિતા (IPC)ની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે તેને અલગ અલગ રાજ્યોમાં લોકોને છેતર્યા હોવાના કારણે પંજાબ, કાશ્મીર અને ઓડિશાની સંયુક્ત ટીમ તેની પૂછપરછ કરશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button