9 વર્ષમાં કાશ્મીરમાં આતંકવાદ કેટલો ઘટ્યો? અમિત શાહે સંસદમાં રજુ કર્યા આંકડા
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે ગઈ કાલે સોમવારે બંધારણની કલમ 370 રદ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો. ત્યારે બીજી તરફ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સંસદમાં દાવો કર્યો હતો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આતંકવાદ મુક્ત ‘નવા અને વિકસિત કાશ્મીર’નું નિર્માણ શરૂ થઈ રહ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે યોગ્ય સમયે જમ્મુ અને કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવામાં આવશે. રાજ્યસભામાં તેમણે કલમ 370 નાબૂદ કરવાના સુપ્રીમ કોર્ટના સોમવારના નિર્ણયને ‘ઐતિહાસિક’ ગણાવ્યો અને કહ્યું કે હવે માત્ર ‘એક જ બંધારણ, એક રાષ્ટ્રધ્વજ અને એક વડાપ્રધાન’ હશે.
સોમવારે રાજ્યસભામાં જમ્મુ-કાશ્મીર સંબંધિત બે બિલ પસાર કરવામાં આવ્યા હતા. જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન (સુધારા) બિલ અને જમ્મુ અને કાશ્મીર આરક્ષણ (સુધારા) બિલ પર ચર્ચા દરમિયાન અમિત શાહે કહ્યું કે કલમ 370એ જમ્મુ-કાશ્મીરમાં અલગતાવાદને પ્રોત્સાહન આપ્યું અને આતંકવાદને જન્મ આપ્યો હતો. તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટનો નિર્ણય વિરોધ પક્ષોની મોટી હાર છે.
ચર્ચા દરમિયાન અમિત શાહે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓને અંગે કેટલાક આંકડાઓ પણ રજૂ કર્યા હતા. તેમણે દાવો કર્યો કે મોદી સરકારના શાસનમાં જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદની ઘટનાઓમાં 70 ટકાનો ઘટાડો નોંધાયો છે.
સંસદમાં ગૃહ પ્રધાને આપેલા આંકડાઓ મુજબ જમ્મુ-કાશ્મીરમાં 2004થી 2014 વચ્ચે આતંકવાદની 7,217 ઘટનાઓ બની. જ્યારે છેલ્લા 10 વર્ષમાં આતંકવાદની 2,197 ઘટનાઓ જ બની છે. ગૃહ પ્રધાને કહ્યું કે 2010માં પથ્થર મારાની 2,656 ઘટનાઓ નોંધાઈ હતી. જ્યારે આ વર્ષે પથ્થરમારાની એક પણ ઘટના બની નથી. 2010માં પથ્થરમારાને કારણે 112 લોકોના મોત થયા હતા, જ્યારે આ વર્ષે એક પણ મૃત્યુ થયું નથી. 2010માં પાકિસ્તાન દ્વારા 70 વખત સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું, જ્યારે આ વર્ષે માત્ર 6 વખત સીઝફાયરનું ઉલ્લંઘન થયું હતું.
રાજ્યસભામાં ચર્ચા દરમિયાન અમિત શાહે આંકડા રજૂ કરતા કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદને કારણે 42 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. તેમણે દાવો કર્યો હતો કે સરકારે ઘાટીમાં ટેરર ફંડિંગની ઇકોસિસ્ટમને નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો છે.
અગાઉ, લોકસભામાં આ બિલો પર ચર્ચા દરમિયાન અમિત શાહે કહ્યું હતું કે 1994 થી 2004 વચ્ચે જમ્મુ-કાશ્મીરમાં 40,164 આતંકવાદી ઘટનાઓ બની હતી. 2004 થી 2014 વચ્ચે 7,217 ઘટનાઓ બની હતી. જ્યારે મોદી સરકારના કાર્યકાળમાં 2014 થી 2023 દરમિયાન લગભગ બે હજાર ઘટનાઓ બની છે.
અમિત શાહે કહ્યું હતું કે તેથી જ અમે કહીએ છીએ કે જમ્મુ-કાશ્મીરમાં અલગતાવાદ અને આતંકવાદનું કારણ બીજું કંઈ નહીં પણ કલમ 370 હતું.
તેમણે કહ્યું કે, “હું દેશની જનતાને ખાતરી આપવા માંગુ છું, જેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાની પરથી વચન આપ્યું હતું કે કાશ્મીરના યુવાનો હવે બંદૂક કે પથ્થર નહીં ઉપાડે તેના બદલે લેપટોપ ઉપાડશે.”