નેશનલ

જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદનાં લીધે હાહાકાર: ચારના મૃત્યુ, ૩૫૦ પરિવારનું સ્થળાંતર

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત પડી રહેલા ભારે વરસાદને કારણે હાહાકાર મચી ગયો છે. અવિરત વરસાદના કારણે આવેલા પૂરમાં અત્યાર સુધીમાં ત્રણ કિશોર સહિત ચાર લોકોના મોત થયા છે. પૂરને કારણે ઘણા પશુઓ મૃત્યુ પામ્યા છે અને અનેક ઘરોને નુકસાન થયું છે.

અધિકારીઓએ જણાવ્યું કે 350 થી વધુ પરિવારોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. સરકારે ઘાટીમાં શાળાઓ બંધ કરી દીધી છે અને કાશ્મીર યુનિવર્સિટીએ મંગળવારે લેવાનાર તમામ પરીક્ષાઓ મુલતવી રાખી છે.

એકતરફ સતત પડી રહેલા વરસાદને લીધે આવેલા પુર અને સાથે જ ભૂસ્ખલનને કારણે કાશ્મીરમાં હાહાકાર મચવા પામ્યો છે. જેમાં ચાર લોકોના મોત થયા હતા, જ્યારે જમ્મુ વિભાગના ડોડા, રિયાસી, કિશ્તવાડ અને રામબનના પહાડી જિલ્લાઓ અને કાશ્મીરના કુપવાડા જિલ્લામાં સતત વરસાદ અને વીજળીના કારણે અનેક ઘરોને નુકસાન થયું હતું.

અચાનક આવેલા પૂરને કારણે વિવિધ સ્થળોએ અનેક પશુઓ અને ઘેટાંના મોત થયા હતા. કુપવાડા જિલ્લામાં વહીવટી તંત્રએ પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી 350 થી વધુ પરિવારોને સુરક્ષિત સ્થળોએ ખસેડ્યા છે. જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા ચાર દિવસથી ભારે વરસાદને કારણે ૩૦ જેટલા મકાનોને નુકસાન થયું છે.

પૂરને કારણે કુપવાડા જિલ્લામાં શુમરિયાલ બ્રિજ, ખુમરિયાલ બ્રિજ, શતમુકામ બ્રિજ, સોહિપોરા-હૈહામા બ્રિજ, ફરક્યાન બ્રિજ, કુપવાડામાં ગ્રામીણ વિકાસ વિભાગની બે ઇમારતો અને સહાયક નિયામક હસ્તકલા કચેરીની ઇમારતને નુકસાન થયું છે. બારામુલ્લા, પુલવામા, અનંતનાગ અને કાશ્મીરના અન્ય જિલ્લાઓ અને જમ્મુ વિભાગના સાંબા અને કઠુઆ જિલ્લાઓમાં મુખ્ય માર્ગો અને વિવિધ લિંક રોડ પાણીમાં ગરકાવ થઈ ગયા છે.

હિમવર્ષા અને ભૂસ્ખલનને કારણે તમામ મોટા અને નાના હાઈવે અને રસ્તાઓ બંધ કરી દેવાયાં છે. શ્રીનગર-જમ્મુ, શ્રીનગર-લેહ અને મુગલ રોડ બંધ કરી દેવામાં આવ્યા છે. દક્ષિણ કાશ્મીરના જિલ્લાઓમાં શ્રીનગર-જમ્મુ હાઈવેના કેટલાક ભાગો પાણીમાં ડૂબી ગયા છે. શ્રીનગર શહેરના ઘણા રહેણાંક વિસ્તારો અને ખીણના અન્ય નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે અસર થઈ છે.

જેલમ અને સિંધુ શાખા સહિતની તમામ નદીઓ ગાંડીતુર બની છે અને નદીઓ અને પહાડી પ્રવાહોની નજીક રહેતા લોકોને સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યું છે. અધિકારીઓએ પૂરના પાણીને કારણે શ્રીનગર અને અન્ય જિલ્લાઓમાં રહેણાંક કોલોનીઓમાં ખાલી કરાવવાની યોજના તૈયાર કરી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button