કાશ્મીર, હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા બાદ પારો ગબડ્યો, શીત લહેરનો કહેર
શ્રીનગરઃ જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં ઠંડીનું મોજું ફરી વળવાની સાથે હિમવર્ષા પછી પારો ગબડતા જનજીવન પર અસર જોવા મળી રહી છે. કાશ્મીરમાં હિમવર્ષા બાદ મોટાભાગના સ્થળોએ લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સુધી મુખ્યત્વે શુષ્ક હવામાનની આગાહી કરી છે. આ માહિતી અધિકારીઓએ શુક્રવારે આપી હતી.
અધિકારીઓના જણાવ્યા અનુસાર કાશ્મીરના ઊંચાણવાળા વિસ્તારોની સાથે ખીણના મેદાની વિસ્તારોમાં પણ ગુરૂવારે બરફવર્ષા થઇ હતી. હિમવર્ષા બાદ કાશ્મીરમાં ઠંડીની સ્થિતિ પ્રવર્તી રહી છે અને મોટાભાગના સ્થળોએ રાત્રિના તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. શ્રીનગરમાં ગુરૂવારે રાત્રે લઘુત્તમ તાપમાન માઇનસ ૨ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે ગત રાત્રિના માઇનસ ૨.૫ ડિગ્રી સેલ્સિયસ કરતાં અડધી ડિગ્રી વધુ છે.
ઉત્તર કાશ્મીરના પર્યટન સ્થળ ગુલમર્ગમાં લઘુત્તમ તાપમાન માઇનસ ૭ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. દક્ષિણ કાશ્મીરમાં વાર્ષિક અમરનાથ યાત્રાના બેઝ કેમ્પ પૈકીના એક પહેલગામમાં લઘુત્તમ તાપમાન માઇનસ ૧૧.૮ ડિગ્રી નોંધાયું હતું, જે ગત રાત્રિના માઇનસ ૪.૨ ડિગ્રી હતું. કાઝીગુંડમાં લઘુત્તમ તાપમાન માઇનસ ૨.૪ ડિગ્રી, પંપોર શહેરના કોનિબાલમાં માઇનસ ૨ ડિગ્રી, કુપવાડામાં માઇનસ ૨.૭ ડિગ્રી અને કોકરનાગમાં માઇનસ ૨.૪ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
આ પણ વાંચો : હિમાચલ પ્રદેશમાં ઉંચા વિસ્તારોમાં બરફવર્ષાઃ કોલ્ડવેવની કરાઇ આગાહી
દરમિયાન હિમાચલ પ્રદેશના આદિવાસી વિસ્તારો અને અન્ય ઊંચાઈવાળા વિસ્તારોમાં ફરી એકવાર હળવાથી મધ્યમ બરફવર્ષા થઈ હતી, જ્યારે બિલાસપુર, સુંદરનગર અને મંડીમાં ગાઢ ધુમ્મસ સાથે નીચલા પહાડી વિસ્તારોમાં તીવ્ર ઠંડીનું મોજું જોવા મળ્યું હતું.
મધ્યમ અને ઊંચા પહાડી વિસ્તારોમાં ઘણી જગ્યાએ પાણીની પાઈપો થીજી ગઈ હતી, જ્યારે હિમવર્ષાને કારણે કેટલાક સ્થળોએ વાહનોની અવરજવર ખોરવાઈ હતી, એમ પ્રશાસને જણાવ્યું હતું.
ગુરુવાર સવારથી છેલ્લા ૨૪ કલાકમાં, કોઠીમાં ૨૪ સેમી બરફ પડ્યો, ત્યાર બાદ મનાલીમાં ૧૪.૮ સેમી, ગોંડલામાં ૧૧ સેમી, મૂરંગમાં ૧૦ સેમી, જોતમાં ૭ સેમી, કલ્પામાં ૬.૭ સેમી, ખદ્રાલામાં ૫ સેમી, પૂહમાં ૪.૫ સેમી, સાંગલામાં ૪.૨ સેમી, કીલોંગ અને છત્રાડીમાં ૪ સેમી અને કુફરીમાં ૨.૪ સેમી બરફ પડ્યો હતો, એમ સ્થાનિક હવામાન વિભાગે જણાવ્યું હતું.
કેટલાક સ્થળોએ હળવો વરસાદ પડ્યો હતો, જેમાં ભરમૌરમાં ૧૦ મીમી વરસાદ પડ્યો, ત્યાર બાદ સીઓબાગમાં ૮.૨ મીમી, જોગીન્દરનગરમાં ૮ મીમી, ભુંતરમાં ૭.૧ મીમી, સલોનીમાં ૬.૩ મીમી, ગોહરમાં ૬ મીમી, બાજૌરામાં ૫.૫ મીમી, રોહરુ અને ધર્મશાલામાં ૫ મીમી, પાલમપુરમાં ૪.૨ મીમી અને ઘુમરવિન અને પાંડોહમાં ૪ મીમી વરસાદ પડ્યો હતો. ઉના અને હમીરપુરમાં તીવ્ર શીત લહેરની સ્થિતિ જોવા મળી, જ્યારે બર્થિન અને કાંગડામાં શીતલહેરનો અનુભવ થયો હતો.
રાત્રિ દરમિયાન તાબો સૌથી ઠંડુ રહ્યું હતું, જ્યાં લઘુત્તમ તાપમાન માઈનસ ૧૩.૫ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, ત્યાર બાદ કુસુમસેરીમાં માઈનસ ૧૨.૨ ડિગ્રી સેલ્સિયસ, કલ્પામાં માઈનસ ૬.૨ ડિગ્રી, મનાલીમાં માઈનસ ૨.૧ ડિગ્રી, નારકંડામાં માઈનસ ૧.૫ ડિગ્રી, શિમલા ૨.૮ ડિગ્રી અને ધર્મશાલામાં ૪.૮ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.