કાશ્મીરનો પાકિસ્તાન સાથે માત્ર એક જ સંબંધઃ પાકિસ્તાનને ભારત સરકારે આપ્યો હવે આ જવાબ…

નવી દિલ્હી: ભારતે પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીરના દ્વિ-રાષ્ટ્ર સિદ્ધાંત અને કાશ્મીરના મુદ્દે આપવામા આવેલા નિવેદન મુદ્દે વળતો પ્રહાર કર્યો હતો.
મીડિયાને સંબોધતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે પાકિસ્તાનનો કાશ્મીર સાથે એક માત્ર સંબંધ ગેરકાયદે રીતે કબજા હેઠળના પ્રદેશને ખાલી કરવાનો છે. પાકિસ્તાનના આર્મી ચીફે દ્વિ-રાષ્ટ્ર સિદ્ધાંતનો મુદ્દો ઉઠાવ્યો હતો અને ભાર મૂક્યો હતો કે ભારત અને પાકિસ્તાન બે અલગ અલગ રાષ્ટ્ર છે.
મુનીરે કહ્યું આપણે બે રાષ્ટ્રો છીએ
બુધવારે ઇસ્લામાબાદમાં ઓવરસીઝ પાકિસ્તાની કન્વેન્શનમાં પોતાના સંબોધનમાં આસીમ મુનીરે પાકિસ્તાની નાગરિકોને તેમના બાળકોને જણાવવા વિનંતી કરી કે રાષ્ટ્રનો જન્મ કેવી રીતે થયો. મુનીરે કહ્યું “…આપણા પૂર્વજો માનતા હતા કે આપણે જીવનના દરેક પાસામાં હિન્દુઓથી અલગ છીએ.
આપણો ધર્મ અલગ છે, આપણા રિવાજો અલગ છે, આપણી પરંપરાઓ અલગ છે, આપણા વિચારો અલગ છે, આપણી મહત્વાકાંક્ષાઓ અલગ છે. અહીંથી જ દ્વિરાષ્ટ્ર સિદ્ધાંતનો પાયો નંખાયો હતો. આપણે બે રાષ્ટ્રો છીએ, આપણે એક રાષ્ટ્ર નથી.”
આપણ વાંચો: પાકિસ્તાનમાં કેદ 183 ભારતીય નાગરિકને મુક્ત કરવા વિદેશ મંત્રાલયની અપીલ
તમારી આવતી પેઢીને પણ જણાવો કે….
પોતાના સંબોધન દરમિયાન પાકિસ્તાની સેના પ્રમુખે કાશ્મીરનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે દુનિયાની કોઈ પણ તાકાત કાશ્મીરને પાકિસ્તાનથી અલગ કરી શકતી નથી.
“આપણા પૂર્વજોએ ઘણું બલિદાન આપ્યું છે અને આપણે આ દેશ બનાવવા માટે ઘણું બલિદાન આપ્યું છે અને આપણે તેનું રક્ષણ કેવી રીતે કરવું તે જાણીએ છીએ,” તેમણે કહ્યું. તેમણે આગળ કહ્યું, કે પાકિસ્તાનની કથા ભૂલશો નહીં અને તમારી આવતી પેઢીને પાકિસ્તાનની કથા કહેવાનું ભૂલશો નહીં, જેથી પાકિસ્તાન સાથેનો તેમનો સંબંધ ક્યારેય નબળો ન પડે.
આપણ વાંચો: ભારત ચીન LAC પરના આર્મી ચીફના નિવેદન બાદ વિદેશ મંત્રાલયની સ્પષ્ટતા
હિમંતા બિસ્વા સરમાએ કરી આકરી ટિપ્પણી
આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ પણ પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીરની ટિપ્પણી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું, “પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીરે તેમના તાજેતરના સંબોધનમાં સ્પષ્ટપણે કહ્યું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ઊંડી વૈચારિક ખાઈ છે.
મુખ્ય પ્રધાને કહ્યું કે હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે આપણા રસ્તા અલગ છે. આવી સ્થિતિમાં આપણા રાષ્ટ્રને મજબૂત બનાવવું અને આપણા ધર્મ અને સભ્યતાના મૂલ્યોને જાળવી રાખવું એ આપણી ફરજ છે. ફક્ત આ કરીને જ આપણે આપણા દેશને નવી ઊંચાઈઓ પર લઈ જઈ શકીશું.