કાશ્મીરમાં તબાહી વચ્ચે માનવતા મહેંકી: મુસ્લિમ પરિવારને હિંદુઓએ આશરો આપ્યો

કઠુઆ: વિવિધતામાં એકતા ધરાવતા ભારત દેશમાં માનવતા મરી પરવારી નથી. એના ઉદાહરણ અવારનવાર જોવા મળતા હોય છે. તાજેતરમાં કશ્મીર ખાતે વાદળ ફાટવાની સાથોસાથ ભૂસ્ખલન જેવી ઘટના સર્જાઈ હતી. જેથી ઘણા લોકોને આશરો ગુમાવવાની નોબત આવી હતી. આવા સમયે કશ્મીરમાં કોમી એકતાના દર્શન થયા છે.
પૂરમાં મુસ્લિમ પરિવારના ઘરને થયું નુકસાન
કશ્મીરના કઠુઆ જિલ્લાના બાણી ગામ ખાતે ભારે વરસાદના કારણે પૂર આવ્યું હતું. 28 ઓગસ્ટના રોજ ગામના મુસ્લિમોના ઘર પાણીમાં ધોવાયા હતા. સાથોસાથ ઘરને નુકસાન પણ પહોંચ્યું હતું. જેથી જાવેદ અહમદ નામના વ્યક્તિને તેના પરિવારના આઠ સભ્યો સહિત ઘર છોડીને સ્થળાંતર કરવાની નોબત આવી હતી. તેઓ ગામના અન્ય લોકોના ઘરે આશરો માંગવા પહોંચ્યા હતા. પરંતુ તેઓને કોઈએ આશરો આપ્યો ન હતો. એવા સમયે એક હિંદુ પરિવાર તેમની મદદ માટે આગળ આવ્યો હતો.
હિંદુ પડોશીએ આપ્યો આશરો
જાવેદ અહમદની આ પરિસ્થિતિ જોઈને તેના હિંદુ પડોશી સુભાષ મદદ માટે આગળ આવ્યો હતો. સુભાષે જાવેદ અહમદના પરિવારને પોતાના ઘરે આશરો આપ્યો હતો. પૂર ઓસર્યા બાદ સુભાષે જાવેદને રાશન તથા ઘરનો અન્ય સામાન પણ આપ્યો હતો. આ સિવાય ઘરના નુકસાન બદલ સરકારને વળતર આપવાની અપીલ પણ કરી હતી.
પોતાના ઘર જેવું જ લાગ્યું
મીડિયા સાથે વાત કરતા જાવેદ અહમદે જણાવ્યું કે, “પૂરમાં અમારૂં ઘર ખરાબ થઈ ગયું હતું. તેથી અમારે સુભાષજીના ઘરે આશરો લેવો પડ્યો હતો. તેમણે અમને પોતાના ઘરના પહેલા માળે બે રૂમ રહેવા માટે આપ્યા. તેઓ બીજા માળે ચાલ્યા ગયા. અહીં અમને પોતાના ઘર જેવું જ લાગતું હતું. જોકે, અત્યારસુધી અમારા પરિવારને સુભાષજી સિવાય કોઈની મદદ મળી નથી.”