બડગામઃ દસ વર્ષ પછી કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે ત્યારે આજે કાશ્મીરમાં મોટી દુર્ઘટના બની. કાશ્મીરમાં સીમા સુરક્ષા દળ (બીએસએફ)ના જવાનોને લઈ જનારી એક બસ અકસ્માતનો ભોગ બની હતી, જેમાં ત્રણ જવાન શહીદ થયા છે, જ્યારે 26 જવાન ઘાયલ થયા છે. આ અકસ્માતમાં મૃતકની સંખ્યા વધી શકે છે.
જમ્મુ કાશ્મીરમાં ચૂંટણીને ડ્યૂટી માટે બીએસએફની ફોર્સ જઈ રહી હતી, ત્યારે રસ્તામાં બસ અકસ્માતનો ભોગ બની હતી. આ દુર્ઘટના પછી બચાવ કામગીરી તાત્કાલિક હાથ ધરવામાં આવી હતી. ઈજાગ્રસ્ત લોકોને ખાનસાહિબ અને બડગામ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો : J&K Assembly Election : જમ્મુ કાશ્મીરમાં પ્રથમ તબક્કામાં 24 બેઠક પર મતદાન, PM Modiએ વધુ મતદાન માટે અપીલ કરી
જમ્મુ કાશ્મીર વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીની સુરક્ષા માટે બીએસએફની બસને રવાના કરવામાં આવી હતી ત્યારે દક્ષિણ કાશ્મીરના પુલવામાથી બડગામ જતી વખતે અકસ્માત સર્જાયો હતો. અહીંના બડગામ જિલ્લાના વોટરહેલ વિસ્તારના બ્રેલમાં દુર્ઘટના ઘટી છે.
બસ ખાઈમાં ખાબકવાને કારણે આસપાસના લોકોમાં ઘટનાસ્થળે ધસી ગયા ગયા હતા, જ્યારે બચાવ કામગીરી તાત્કાલિક હાથ ધરવામાં આવી હતી. બીએસએફની પાંચ બસનો કાફલો રસ્તા માર્ગે જઈ રહ્યો હતો ત્યારે બસના ડ્રાઈવરે સંતુલન ગુમાવવાને કારણે બસ 40 ફૂટ ઊંડી ખાઈમાં ખાબકી હતી. બસમાં 36 જવાન સવાર હતા, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
બચાવકર્તાઓએ ચાર ઘાયલ કમાન્ડોને બહાર કાઢ્યા હતા, ત્યારબાદ વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન લાન્સનાયક બલજિતસિંહનું મોત થયું હતું, જ્યારે હજુ બચાવ અને રાહત કામગીરી ચાલુ હોવાનું આર્મીએ જણાવ્યું હતું.