કરુર નાસભાગ કેસ: ટીવીકે પ્રમુખ વિજયની દિલ્હીમાં સીબીઆઈ દ્વારા પૂછપરછ શરૂ

નવી દિલ્હીઃ તમિલનાડુના કરુરમાં બનેલ નાસભાગ કેસમાં અભિનેતાથી રાજનેતા બનેલા ટીવીકે પ્રમુખ જોસેફ વિજયની મુશ્કેલીઓ વધી રહી છે. સુપ્રીમ કોર્ટના આદેશ પછી કેન્દ્રીય તપાસ એજન્સીએ આ કેસની જવાબદારી સંભાળી છે. આજે દિલ્હીમાં વિજય સાથે પૂછપરછ શરૂ કરી દેવામાં આવી હતી. સીબીઆઈના એક એસપી અને ઇન્સ્પેક્ટર રેન્કના અધિકારીઓ દ્વારા વિજય સાથે પૂછપરછ કરવામાં આવી રહી છે કે, આ કેસમાં કોણ જવાબદાર હતું. ગત વર્ષે ઓક્ટોબરમાં આ કેસ રાજ્ય પોલીસ પાસેથી સીબીઆઈને સોંપવામાં આવ્યો હતો જેથી નિષ્પક્ષ તપાસ થઈ શકે, જોકે, તપાસ કેવી થશે તે જોવાનું રહેશે.
વિજયને રેલીમાં પહોંચવામાં 7 કલાક મોડું કેમ થયું?
સીબીઆઈની પૂછપરછનું મુખ્ય કેન્દ્ર તે દિવસના કાર્યક્રમની વ્યવસ્થા અને વિજયના પહોંચવામાં થયેલી વિલંબ પર છે. આ રેલી દરમિયાન વિજય 7 કલાક મોડો આવ્યો હતો. એજન્સી જાણવા માંગે છે કે વિજયને કાર્યક્રમ સ્થળે પહોંચવામાં લગભગ સાત કલાક મોડું કેમ થયું? લોકોએ લાંબા સમય સુધી રાહ જોઈ અને તેના કારણે ત્યાં હાજર લોકોનો ધીરજ તૂટી ગઈ હોવાનો આરોપ છે. એટલું જ નહીં, પરંતુ આ રેલીમાં માત્ર 10 હજાર લોકોની મંજૂરી આપવામાં આવી હતી તેના પછી સંખ્યાથી વધીને 30 હજાર કેમ થઈ?
કાર્યક્રમ માટે જરૂરી પરવાનગી લેવામાં આવી કે નહીં?
આ રેલી દરમિયાન ટીવીકે પાર્ટી કાર્યકર્તાઓએ પોલીસ અને સ્થાનિક વહીવટ સાથે મળીને નિયંત્રણ માટે કયા પગલાં લીધાં હતાં? આવા અનેક સવાલો સીબીઆઈના અધિકારીઓ કરવાના છે. કરુરમાં કાર્યક્રમનો નિર્ણય કોણે લીધો અને જરૂરી પરવાનગી લેવામાં આવી કે નહીં તેની ઊંડી તપાસ સીબીઆઈ દ્વારા કરવામાં આવશે. આ કાર્યક્રમ પહેલાં કોઈ જોખમની અણધારી કરવામાં આવી હતી કે નહીં અને ત્યાં પાણી કે સુરક્ષિત આવા-જવાની મૂળભૂત વ્યવસ્થા હતી કે નહીં આવા સવાલો પણ કરવામાં આવશે. નાસભાગ પછી વિજય ત્યાંથી તરત જતો કેમ રહ્યો તેના વિશે પણ જાણવાનો પ્રયત્ન કરવામાં આવશે.
સીબીઆઈ દ્વારા સાક્ષીઓના નિવેદનો પણ લેવામાં આવશે
પૂછપરછ દરમિયાન વિજય પાસેથી રેલી પરવાનગીના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે. આ સાથે કેટલાક સાક્ષીઓના નિવેદનો પણ લેવાશે થેવું જાણવા મળ્યું છે કરૂરમાં રેલી દરમિયાન તમિલનાડુ પોલીસના જે કર્મચારીઓ વિજયની સુરક્ષામાં હતા તેમના પણ નિવેદનો લેવામાં આવશે. આ તમામ પ્રક્રિયામાં રેલી દરમિયાન શું થયું અને તેના માટે કોને જવાબદાર ગણી શકાય તેની નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.



