નેશનલ

સુખદેવ સિંહ મર્ડર: શ્રધ્ધાંજલિ અર્પણ કરવા લોકો ઉમટ્યા, ગોગામેડી ગામે અંતિમ સંસ્કાર કરવામાં આવશે

જયપુર: રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીના મૃતદેહને ગુરુવારે સવારે જયપુરમાં રાજપૂત સભા ભવન લાવવામાં આવ્યો હતો. અંતિમ દર્શન કર્યા બાદ આજે ગોગામેડી ગામમાં મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા બાદ લોકો રોષ ફાટી નીકળ્યો હતો, પત્ની શીલા શેખાવતની સંમતિ બાદ સુખદેવ સિંહ ગોગામેડીનો મૃતદેહ ગુરુવારે સવારે એસએમએસ હોસ્પિટલથી જયપુરમાં રાજપૂત સભા ભવન લાવવામાં આવ્યો હતો. અંતિમ દર્શન માટે અહીં લોકોની ભીડ એકઠી થવા લાગી છે.


બિહાર, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ સહિત અનેક રાજ્યોમાંથી લોકો અંતિમ દર્શન માટે રાજપૂત ભવન પહોંચી રહ્યા છે.
મળતી માહિતી મુજબ, સુખદેવ સિંહના મૃતદેહને બપોરે 2 વાગ્યે તેમના વતન ગામ ગોગામેડી લઈ જવામાં આવશે. સુખદેવ સિંહની અંતિમ યાત્રા ચૌમુ, રિંગાસ, સીકર, લક્ષ્મણગઢ, ફતેહપુર, ચુરુ, તારાનગર, સાહવા, ભદ્રા થઈને ગોગામેડી પહોંચશે. આ સમય દરમિયાન, લોકો તેમને અંતિમ શ્રદ્ધાંજલિ આપી શકશે.


અત્રે ઉલ્લેખનીય છે કે મંગળવારે રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. સુખદેવ સિંહ ગોગામેડી પર ત્રણ બદમાશોએ તેમના જ ઘરમાં ગોળી મારી હતી. સુખદેવ સિંહને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મૃત્યુ થયું હતું.


તેમની હત્યા બાદ રાજ્યભરમાં વિરોધ પ્રદર્શનો થયા હતા અને બંધનું એલાન આપવામાં આવ્યું હતું. આ ઘટના બાદ રાજ્યમાં તણાવ વધી ગયો છે. ચુરુમાં સરકારી બસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.

બુધવારે મોડી સાંજે ગોગામેડીની પત્ની શીલા શેખાવત અને વહીવટીતંત્ર વચ્ચે સમજૂતી થયા બાદ, ગુરુવારે સવારે સુખદેવ સિંહ ગોગામેડીનો પાર્થિવ દેહ જયપુરમાં રાજપૂત સભા ભવન મોકલવામાં આવ્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button