નેશનલ

આગ્રામા કરણી સેનાની રક્ત સ્વાભિમાન રેલીનો આરંભ; તલવારો લઈને પહોંચ્યા યુવાનો

આગરા: ઉત્તર પ્રદેશના આગરામા કરણી સેનાના રક્ત સ્વાભિમાન રેલીની શરૂઆત થઈ ગઈ છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે રાણા સાંગાની જન્મજયંતિ પર આયોજિત આ કાર્યક્રમમાં એક લાખથી વધુ લોકો હાજરી આપશે. આ માટે સમાજ સાથે સંકળાયેલી લગભગ 10 સંસ્થાઓએ ભેગા થવાનું આહ્વાન કર્યું છે. આ રેલીમા લોકો તલવાર સહિતના હથિયારો લઈને જોવા મળી રહ્યા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર ઉત્તર પ્રદેશના આગ્રામાં કરણી સેનાની રક્ત સ્વાભિમાન રેલી શરૂ થઈ ગઈ છે. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો શુક્રવાર રાતથી જ આવી રહ્યા હતા. રેલીમાં લગભગ એક લાખ લોકો પહોંચવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. કરણી સેનાની સ્વાભિમાન રેલી માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. શહેરના મહત્વપૂર્ણ સ્થળોએ મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે.

5 વાગ્યા પછી અમારો સમય

ક્ષત્રિય કરણી સેનાના રાજ શેખાવતે કહ્યું કે અમે પ્રસ્તાવના દ્વારા સરકારને સાંજે 5 વાગ્યા સુધીનું અલ્ટીમેટમ આપી રહ્યા છીએ. ત્યાં સુધી જો તેઓ અમારી માંગણી સ્વીકારે તો ઠીક છે. તેમણે કહ્યું કે સાંજે ૫ વાગ્યા સુધીનો સમય સરકાર અને વહીવટનો છે. ત્યાર પછી આપણો સમય શરૂ થશે.

તે સાથે જ સમાજવાદી પાર્ટીના સાંસદ રામજી લાલ સુમનના નિવાસસ્થાનની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે. આગરા શહેરમાં ટ્રાફિક ડાયવર્ઝન યોજના લાગુ કરવામાં આવી છે. સાથે જ રાત્રે વરસાદ અને તોફાનને કારણે કાર્યક્રમના સ્ટેજને નુકસાન થયું હતું. પરંતુ આયોજકોએ યુદ્ધના ધોરણે સ્ટેજ તૈયાર કરાવ્યું હતું.

આ પણ વાંચો: અમેરિકામાં સરકાર વિરુદ્ધ જુવાળ! તમામ 50 રાજ્યોમાં ટ્રમ્પ-મસ્ક વિરોધી રેલીઓ નીકળી

સપા સાંસદ રામજી લાલ સુમનનું નિવેદન

આગ્રામાં કરણી સેનાના આયોજન પર સપા સાંસદ રામજી લાલ સુમનનું મોટું નિવેદન સામે આવ્યું છે. મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે કરણી સેનાના ઘણા સભ્યો ફરતા હોવાની વાત કરી હતી. તેમણે કહ્યું કે સંસદમાં મેં જે કહ્યું તેના પર લોકોના અલગ અલગ મંતવ્યો હોઈ શકે છે, પરંતુ અસંમતિ વ્યક્ત કરવાની અન્ય રીતો પણ છે. જો મારા નિવેદનથી કોઈને દુઃખ થયું હોય, તો લોકોએ બંધારણીય પદ્ધતિઓનો ઉપયોગ કરવો જોઈએ

શું છે વિવાદ?

રાજ્યસભામાં ઔરંગઝેબ વિવાદ પર ચર્ચા દરમિયાન સમાજવાદી પાર્ટીના સાંસદ રામજી લાલ સુમને મહારાણા સાંગા પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. આ મુદ્દો જોરશોરથી ઉઠાવવામાં આવ્યો હતો. ભારતીય જનતા પાર્ટીએ પણ આ મામલે સપા નેતાનો વિરોધ કર્યો હતો. તે જ સમયે, કરણી સેનાએ આગ્રામાં સાંસદના નિવાસસ્થાને વિરોધ પ્રદર્શન કર્યું, અને તેમના પર વિવાદાસ્પદ નિવેદનો દ્વારા રાણા સાંગાની છબી ખરડવાનો આરોપ લગાવ્યો હતો. આ દરમિયાન હિંસા ફાટી નીકળી હતી. હવે રાણા સાંગાની જન્મજયંતિ પર કરણી સેના સાંસદ સામે વિરોધ પ્રદર્શન કરીને પોતાની શક્તિનું પ્રદર્શન કરી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button