FDI આકર્ષવામાં દેશમાં કર્ણાટક ટોપ પર, ગુજરાત ક્યા નંબરે ?

નવી દિલ્હી: રાજ્ય સરકાર ગુજરાતને દેશનું મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા માટે પ્રયત્નો કરી રહી છે, વિદેશના રોકાણકારોને આકર્ષવા માટે દર બે વર્ષે ‘વાઇબ્રન્ટ ગુજરાત’ સમિટનું આયોજન કરવામાં આવે છે. છતાં રોકાણકારો ગુજરાત કરતા અન્ય રાજ્યો પર વધુ વિશ્વાસ મૂકી રહ્યા છે. ચાલુ નાણાંકીય વર્ષના પહેલા ત્રિમાસિક ગાળામાં ગુજરાતમાં રૂ. 10,245 કરોડનું નવું ફોરેન ડાઈરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ(FDI) આવ્યું હતું.
ડીપાર્ટમેન્ટ ફોર પ્રોમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ(DPIIT) એ નાણાકીય વર્ષ 2025-26 ના પ્રથમ ત્રિમાસિક ગાળા (એપ્રિલ-જૂન 2025) દરમિયાન દેશમાં આવેલા FDIના આંકડા જાહેર કર્યા છે. DPIITના આંકડા મુજબ આ સમયગાળા દરમિયાન કર્ણાટકમાં સૌથી વધુ FDI આવ્યું હતું, ત્યાર બાદ મહારાષ્ટ્ર બીજા ક્રમે અને તમિલનાડુ ત્રીજા ક્રમે આવે છે, જ્યારે ગુજરાત ચોથા ક્રમે રહ્યું.
અહેવાલ મુજબ એપ્રિલ-જૂન 2025 દરમિયાન કર્ણાટકમાં રૂ.48,804, મહારાષ્ટ્રમાં રૂ. 45,921 કરોડ અને તમિલનાડુમાં રૂ.22,902 કરોડનું FDI આવ્યું હતું. જ્યારે એપ્રિલ-જૂન 2025 દરમિયાન ગુજરાતમાં રૂ. 10,245 કરોડનો FDI નોંધાયું હતું. ગયા વર્ષના સમાન સમયગાળામાં રૂ. 8,508 કરોડ કરતાં 21% વધુ છે.
ગુજરાત કરતા મહારાષ્ટ્ર-કર્ણાટક આગળ:
DPIITના આંકડા મુજબ નાણાકીય વર્ષ 26 ના પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન કર્ણાટકમાં ગુજરાતમાં આવેલા FDIના ચાર ગણા કરતા વધારે FDI નોંધાયું હતું. ત્યારે વિદેશી રોકાણકારોને આકર્ષવા માટે ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી રહેલા પ્રયત્નો પર સવાલ ઉભા થાય છે.
DPIIT ના તાજેતરના ડેટા અનુસાર, નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન દેશમાં આવેલા કુલ FDI નો 51% મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં નોંધાયો હતો. FDI આકર્ષવા મામલે ગત નાણાકીય વર્ષમાં મહારાષ્ટ્ર, કર્ણાટક અને દિલ્હી પછી ગુજરાત ચોથા ક્રમે રહ્યું હતું. નાણાકીય વર્ષ 2023-24માં મહારાષ્ટ્ર બાદ ગુજરાત બીજા ક્રમે રહ્યું હતું.
ગુજરાત સરકાર વિદેશી રોકાણકારો ફાઇનાન્સ સર્વિસ, ઓછા ભાવે જમીન, માળખાગત સુવિધાઓ, બંદરો સાથે કનેક્ટિવિટી, લેબર અને સેફટી જેવી પાયાની સુવિધા આપવાના વચનો આપી રહી છે, છતાં અન્ય રોકાણકારો ગુજરાત કરતા મહારાષ્ટ્ર, કર્ણાટક અને તમિલનાડુ જેવા રાજ્યોમાં રોકાણ કરવાનું વધુ પસંદ કરી રહ્યા છે.
આપણ વાંચો: જયપુરની હોસ્પિટલમાં આગ લાગવાથી 8નાં મોત, ડોક્ટરો દર્દીઓને છોડીને ભાગી ગયાના આક્ષેપ