Karnataka: પોલીસ વાનમાં ભગવાન ગણેશની પ્રતિમા ? શું છે સોશિયલ મીડિયા પર વાયરલ આ તસવીરનું સત્ય…

બેંગલુરુ : ભગવાન શ્રી ગણેશની પ્રતિમાની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેમાં કેદીઓને લઇ જવાની પોલીસ વેનમાં પ્રતિમા જોવા મળી છે. આ મામલો કર્ણાટકના(Karnataka)બેંગલુરુના નાગમંગલાનો છે. પીએમ મોદીએ હરિયાણામાં એક ચૂંટણી રેલીને સંબોધતા ગણપતિની આ તસવીર પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, કોંગ્રેસ શાસિત કર્ણાટકમાં ગણપતિને પણ જેલમાં નાખવામાં આવી રહ્યા છે. જ્યારે ભાજપ અને વિશ્વ હિન્દુ પરિષદના નેતાઓ આ તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.
ખરેખર શું ઘટના હતી ?
આ સમગ્ર ઘટના મુજબ કર્ણાટકના બેંગલુરુના નાગમંગલામાં ગણેશ વિસર્જન યાત્રા દરમ્યાન થયેલા હુમલાના વિરોધમાં બેંગલુરુમાં ટાઉન હોલ પાસે વિરોધ કરવામાં આવ્યો હતો. બે સમુદાયો વચ્ચે અથડામણ થઈ હતી અને આગજની પણ થઈ હતી. આ હુમલાની તપાસ NIAદ્વારા કરવાની માંગ કરવામાં આવી હતી. આ માટે શહેરના ટાઉન હોલ પાસે વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, પોલીસની પરવાનગી ન મળવા છતાં લોકો ત્યાં પહોંચવા લાગ્યા હતા. સવારે 11.30 વાગ્યા સુધીમાં લગભગ 20 થી 30 લોકો ત્યાં પહોંચી ગયા અને એક કલાકમાં સૂત્રોચ્ચાર કરવા લાગ્યા. ત્યારબાદ પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી.
લોકોએ ગણપતિની મૂર્તિ માથા પર લઈને સૂત્રોચ્ચાર શરૂ કર્યા
બેંગલુરુમાં નિયમો અનુસાર, પ્રદર્શનકારીઓ માટે પરવાનગી આપવામાં આવેલી જગ્યા ફ્રીડમ પાર્ક છે. જોકે, પોલીસને જાણ થતાં જ ટાઉનહોલમાં પરવાનગી વગર લોકો એકઠા થઈ રહ્યા હતા. જેથી પોલીસે તેને કસ્ટડીમાં લઈ પોલીસ વાનમાં બેસાડવાનું શરૂ કર્યું હતું. જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કેટલાક લોકોએ ગણપતિની મૂર્તિ માથા પર લઈને સૂત્રોચ્ચાર શરૂ કર્યા.
પોલીસ અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે કેટલાક અન્ય લોકો અચાનક વિરોધમાં જોડાયા હતા અને ભગવાન ગણેશની 1.5 ફૂટની મૂર્તિ તેમના માથા પર લઈને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા. આ દરમિયાન બેંગલુરુના પોલીસ કમિશનરે કહ્યું કે, પોલીસે પહેલાથી જ પ્રદર્શનકારીઓની અટકાયત કરવાનું શરૂ કર્યું અને જ્યારે તેમને ખબર પડી કે ગણેશની મૂર્તિ જમીન પર પડી છે. તેથી અમારા અધિકારીએ તરત જ મૂર્તિને ઉપાડીને તેને સલામત સ્થળે મૂકી હતી.
ગણેશજીને દેખરેખ વિના કેવી રીતે છોડી શકાય?
કમિશનરે વધુમાં કહ્યું, ‘અમે ભગવાન ગણેશને દેખરેખ વિના કેવી રીતે છોડી શકીએ? અમારા અધિકારીએ સુનિશ્ચિત કર્યું કે મૂર્તિને સુરક્ષિત રીતે વિસર્જન માટે લઈ જવામાં આવે. સ્થાનિક પોલીસ સ્ટેશનમાં સંપૂર્ણ આદર અને ભક્તિ સાથે વિસર્જન કરવામાં આવ્યું. વેનની અંદર ગણેશજીની પ્રતિમા એ સાબિત કરે છે કે કેવી રીતે અમે મૂર્તિની પવિત્રતા અને આદર જાળવ્યો છે.
ભાજપના નેતાઓની નારાજગી
ભાજપ અને VHP નેતાઓએ રાજ્યની કોંગ્રેસ સરકાર પર નિશાન સાધ્યું છે. આ અંગે ઘણા નેતાઓએ ટ્વિટ પણ કર્યું છે. ભાજપ સાંસદ તેજસ્વી સૂર્યાએ સોશિયલ મીડિયા સાઈટ X પર ભારે નારાજગી વ્યક્ત કરી છે.