કર્ણાટકમાં પોલીસ માટે ખુશીના સમાચાર, હવે જન્મદિવસ-મેરેજ એનિવર્સરી પર મળશે રજા

કર્ણાટક પોલીસ વિભાગમાં કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિગતે વાત કરવામાં આવે તો, DGP ડૉ. એમ. એ. સલીમે આદેશ જારી કર્યો કે, જન્મદિવસ અને લગ્નની વર્ષ ગાંઠ પર રજાની અરજી કરનારા પોલીસ કર્મચારીઓને અરજીને નામંજૂર કરી શકાશે નહીં. એટલે કે આ દિવસોમાં તેમને રજા આપી દેવામાં આવશે. સતત કામમાં વ્યક્ત રહેતા પોલીસ કર્મચારીઓને પણ પરિવાર સાથે સમય વિતાવવાનો હક છે, જે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
હવે પોલીસ કર્મચારીઓને અરજીને નામંજૂર નહીં થાય
આ મામલે ડીજીપી દ્વારા એક વિભાગીય નોટિસ જાહેર કરવામાં આવી છે. નોટિસ પ્રમાણે વાત કરવામાં આવે તો, પડકારજનક પરિસ્થિતિઓમાં જાહેર સલામતી અને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કાર્યરત પોલીસ અધિકારીઓ માટે જન્મદિવસ અને લગ્નની વર્ષગાંઠ જેવા વ્યક્તિગત પ્રસંગોની ઉજવણી ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો આ રજાઓ મંજૂર કરવામાં આવે તો તેમનો પરિવાર સાથે સમય વિતાવવામાં મદદ મળે છે અને ફરજ અને વ્યક્તિગત જીવન વચ્ચે સંતુલન જાળવવામાં મદદ મળે છે. આનાથી મનોબળ વધે છે, તણાવ ઓછો થાય છે અને એકંદર કાર્ય સંતોષ અને ઉત્પાદકતામાં વધારો થાય છે.
આ નિર્ણય પોલીસની વફાદારી અને પ્રતિબદ્ધતાને મજબૂત બનાવશે
આ માનવતાવાદી કાર્ય પોલીસ દળની વફાદારી અને પ્રતિબદ્ધતાને પણ મજબૂત બનાવશે. જેનાથી સેવામાં વધુ સારી શિસ્ત અને કામગીરી સુનિશ્ચિત થાય છે. આ સંદર્ભમાં તમામ યુનિટ અધિકારીઓને જન્મદિવસ અને લગ્ન વર્ષગાંઠ નિમિત્તે રજા માંગનારા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને રજા આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. આ આદેશ પોલીસ કર્મચારીઓ માટે ખૂબ જ આનંદદાયી છે. હવે અન્ય રાજ્યોના પોલીસ કર્મચારીઓ માટે આવો નિર્ણય લેવામાં આવશે કે કેમ? તે જોવાનું રહેશે.



