કર્ણાટકને નવા મુખ્ય પ્રધાન મળે તેવા એંધાણઃ આજે રાત્રે રાહુલ ગાંધી સાથેની બેઠક બનશે નિર્ણાયક

બેંગલુરુ: કર્ણાટકના રાજકારણમાં પાછલા ઘણા સમયથી વિખવાદ ચાલી રહ્યો છે. જ્યારે રાજ્યના મુખ્યમંત્રી બદલવાની માગ પણ ચર્ચાઈ રહી છે. હવે મુદ્દો કોંગ્રેસ હાઈકમાન્ડ સુધી પહોંચ્યો છે. રાજ્યના નેતાઓ વચ્ચેનો આંતરિક વિવાદ પણ ફરી શરૂ થઈ ચૂક્યો છે, કારણ કે રાહુલ ગાંધીએ આજે રાત્રે દિલ્હીમાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર સાથે બેઠક બોલાવી છે. આ બેઠકમાં રાજ્યના નેતૃત્વ અને પાર્ટીના આગામી પગલા અંગે ચર્ચા થવાની સંભાવના છે.
અગાઉ રાજ્યના પ્રભારી રણદીપ સુરજેવાલાએ વિવાદ શાંત કરવા શિવકુમાર સાથે મીડિયા સમક્ષ બેઠક યોજી હતી. શિવકુમાર જૂથના એક ધારાસભ્યએ દાવો કર્યો હતો કે તેમની સાથે 100 ધારાસભ્યો છે. જોકે, સિદ્ધારમૈયાએ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ પાંચ વર્ષ સુધી મુખ્યમંત્રી પદે રહેશે. હવે ફરીથી ચર્ચાઓ શરૂ થઈ છે કે કોંગ્રેસના ઓબીસી અધ્યક્ષ તરીકે સિદ્ધારમૈયાને કેન્દ્રીય સંગઠનમાં જવાબદારી આપી શકાય છે.
શિવકુમારે દિલ્હી જતા પહેલા જણાવ્યું કે આ બેઠકમાં પાર્ટીના મુદ્દાઓ પર ચર્ચા થશે. સિદ્ધારમૈયાને ઓબીસી પ્રકોષ્ઠના અધ્યક્ષ બનાવવાની અટકળો પર તેમણે કહ્યું, “સિદ્ધારમૈયા ઓબીસી સમુદાયના મોટા નેતા છે. 15 જુલાઈથી બેંગલુરુમાં ઓબીસી સમિતિની બેઠક તેમના નેતૃત્વમાં થશે, ભલે તેઓ તેના અધ્યક્ષ નથી.” શિવકુમારની રાજનાથ સિંહ સાથે પણ બેઠક નક્કી છે, જે રાજકીય હલચલને વધુ તેજ કરે છે.
આપણ વાંચો: કેમ ગડકરીને દેશની રાજધાનીમાં લાંબો સમય રહેવું નથી ગમતું? દિલ્હી સીએમએ પણ જાણવા જેવું
2023ની ચૂંટણી બાદથી શિવકુમાર મુખ્યમંત્રી પદની દાવેદારી કરી રહ્યા છે, પરંતુ કેટલાક કારણો સર તેમને તક મળી નહોતી. તેમના સમર્થકો દાવો કરે છે કે અઢી-અઢી વર્ષની વહેંચણીનો કરાર થયો હતો, જે દાવાને સિદ્ધારમૈયાનું જૂથ નકાર કરે છે. આ બેઠક રાજ્યના નેતૃત્વના ભવિષ્યને લઈને નિર્ણાયક સાબિત થઈ શકે છે.