નેશનલ

કર્ણાટક સરકાર ફેક ન્યૂઝ પર લગામ કસવા લાવશે કાયદોઃ પ્રિયાંક ખડગેએ આપી માહિતી

ફેક ન્યુઝને લઈને વિધાનસભામાં એક બિલ રજૂ કરાયું છે

બેંગલુરૂ: 21મી સદીમાં સંચારક્ષેત્રે ઘણી ક્રાંતિ થઈ છે. કોઈપણ સંદેશ એક જગ્યાએથી બીજી જગ્યાએ બહું ઝડપથી પહોંચી જાય છે. એમાં પણ આજના સમયમાં દરેક જણ પાસે સ્માર્ટ ફોન છે. જેમાં લોકો ગણતરીની મિનિટોમાં લેટેસ્ટ સમાચાર વાંચતા થઈ ગયા છે. પરંતુ ઘણીવાર તેમાં ફેક ન્યુઝ એટલે કે ખોટા સમાચાર પણ આવી જાય છે. આવા સમાચારનું ઘણીવાર ખરાબ પરિણામ આવતું હોય છે. જે ચિંતાનો વિષય છે. તેથી ફેક ન્યુઝ પર નિયંત્રણ લાવવા માટે કર્ણાટક સરકારે વિધાનસભામાં એક બિલ રજૂ કર્યું છે.

ભારત ફેક ન્યુઝની રાજધાની છે: પ્રિયાંક ખડગે
કર્ણાટક સરકારના પ્રધાન પ્રિયાંક ખડગેએ ફેક ન્યુઝ અંગે વાત કરતા મીડિયાને જણાવ્યું કે, “ભારત વિશ્વમાં ખોટી માહિતીનું પાટનગર છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમ અનુસાર ખોટી માહિતીની બાબતમાં ભારત પ્રથમ ક્રમાંક પર છે. જે આજે દેશમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિનું મૂળ કારણ છે.”

પ્રિયાંગ ખડગેએ આગળ જણાવ્યું કે, “તાજેતરમાં જ આપણા આર્મી ચીફે કહ્યું હતું કે, સેનાનો 50 ટકા સમય ખોટી સૂચનાઓનો નિકાલ કરવામાં વિતી જાય છે. આ અગાઉ ચૂંટણીપંચ પણ કહી ચૂક્યું છે કે, 3M એટલે કે મની, મસલ અને મિસઈન્ફોર્મેશન લોકશાહી માટે જોખમી છે. આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતના પૂર્વ પ્રધાન ન્યાયધીશ પણ આ વાત કરી ચૂક્યા છે.”

ફેક ન્યુઝ અટકાવવા કર્ણાટક સરકારે શું કર્યું?
ફેક ન્યુઝના વધતા ચલણને લઈને કર્ણાટક સરકાર એક્શનમાં આવી છે. કર્ણાટક સરકારે વિધાનસભામાં એક બિલ રજૂ કર્યું છે. આ બિલમાં જણાવ્યાનુસાર, જો કોઈ વ્યક્તિ ફેક ન્યુઝ અથવા ખોટી માહિતી ફેલાવવાનો પ્રયાસ કરશે તો તેના પર યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. આ કાયદા હેઠળ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા જો કોઈના નિવેદનને ખોટી રીકે રજૂ કરો છો અથવા ખોટી રીતે રિપોર્ટિંગ કરો છો કે પછી કોઈ વીડિયો કે ઓડિયોને એડિટ કરીને રજૂ કરો છો, તો તેના પર કાયદેસરની યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, કર્ણાટક સરકારે વિધાનસભામાં રજૂ કરેલા બિલ અનુસાર ફેક ન્યુઝ ફેલાવનારને 7 વર્ષ સુધીની સજા અને 10 લાખ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે. જોકે ફેક ન્યુઝના કારણે ઘણીવાર નિર્દોષ વ્યક્તિના ચારિત્ર્ય પર ખોટા લાંછન લાગી જાય છે. જેથી આવો કાયદો આવકાર્ય છે. આ બિલ ફેક ન્યુઝને અટકાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button