કર્ણાટક કોંગ્રેસ નેતૃત્વમાં મોટા ફેરફારની તૈયારી! ખડગેએ ડીકે શિવકુમારના સમર્થકોને આપી ખાતરી

નવી દિલ્હી: કર્ણાટક કોંગ્રેસમાં મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયા અને નાયબ મુખ્ય પ્રધાન શિવકુમાર વચ્ચે ચાલી રહેલી વર્ચસ્વની લડાઈમાં નિર્ણાયક વળાંક આવી શકે છે. અહેવાલ મુજબ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ડીકે શિવકુમારના સમર્થક વિધાનસભ્યો સાથે વાત કરીને ખાતરી આપી છે કે બધું સારું થઈ જશે.
નોંધનીય છે કે ડીકે શિવકુમારના સમર્થકો લાંબા સમયથી રાજ્યના નેતૃત્વમાં પરિવર્તનની માંગ કરી રહ્યા છે. અહેવાલ મુજબ ડીકે શિવકુમાર કર્ણાટક કોંગ્રેસના 10 વિધાનસભ્યો સાથે દિલ્હીમાં મોરચો માંડીને બેઠા છે. ડીકે શિવકુમારના સમર્થક વિધાનસભ્ય ઇકબાલ હુસૈનના જણાવ્યા મુજબ મલ્લિકાર્જુન ખડગે તરફથી તેમને ખાતરી મળી છે.
ઇકબાલ હુસૈને જણાવ્યું કે પાર્ટી અધ્યક્ષ ખડગેએ ડીકે શિવકુમારમાં સમર્થક વિધાનસભ્યો સાથે વાત કરી છે. તેઓ આ બાબતે હાઇકમાન્ડ સાથે ચર્ચા કરશે, પછી જ કોઈ નિર્ણય લેવામાં આવશે. જો કે કોંગ્રેસ તરફથી કોઈ સત્તાવર જાહેરાત કરવામાં આવી નથી.
આપણ વાચો: વર્ચસ્વની લડાઈ! સિદ્ધારમૈયા અને શિવકુમાર બંને દિલ્હીમાં, અલગ અલગ બેઠકોમાં ભાગ લીધો
વિધાનસભ્યોનો દાવો:
અહેવાલ મુજબ ડીકે શિવકુમારના હજુ વધારે સમર્થક વિધાનસભ્યો કર્ણાટકથી દિલ્હી પહોંચી શકે છે. શિવકુમારના સમર્થકો દાવો કરી રહ્યા છે કે વર્ષ 2023 ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રસની જીત બાદ, એવી સહમતી સધાઈ હતી કે અઢી વર્ષના કાર્યકાળ પછી સિદ્ધારમૈયા મુખ્ય પ્રધાન પદ છોડી દેશે અને શિવકુમારને મુખ્ય પ્રધાન પદ મળશે.
ડીકે શિવકુમાર અનેક વાર મુખ્ય પ્રધાન બનવાની મહત્વકાંક્ષા વ્યક્ત કરી ચુક્યા છે. ઓક્ટોબરમાં ડીકેના સમર્થકો વારંવાર કહી ચુક્યા છે કે કર્ણાટકમાં નવેમ્બર ક્રાંતિ થશે.
સિદ્ધારમૈયાની સ્પષ્ટતા:
બીજી તરફ મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયા શિવકુમારના સમર્થકોનાં દાવાનું ખંડન કરી ચુક્યા છે, તેઓ સ્પષ્ટ કરી ચુક્યા છે કે તેઓ પાંચ વર્ષની ટર્મ પૂરી કરશે.



