નેશનલ

કર્ણાટકમાં કાળમુખો અકસ્માત: ટ્રક સાથે ટક્કર બાદ બસમાં આગ ફાટી નીકળી, 9ના મોત

ચિત્રદુર્ગ: કર્ણાટકના ચિત્રદુર્ગ જિલ્લામાં ગત મોડી રાત્રે એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો, એક ટ્રક સ્લીપર કોચ સાથે અથડાતા આગ ફાટી નીકળી હતી, આ ઘટનામાં નવ લોકોના મોત થયા છે અને 21 લોકો ઘાયલ થયા છે.

ખાનગી સ્લીપર કોચ બસ બેંગલુરુથી શિવમોગા જઈ રહી હતી, જ્યારે ટ્રક હિરિયુરથી બેંગલુરુ તરફ જઈ રહ્યો હતો. અહેવાલ મુજબ ચિત્રદુર્ગ જિલ્લામાં હિરિયુર તાલુકાના ગોરલાથુ ક્રોસ પાસે લગભગ 2:30 વાગ્યે નેશનલ હાઈવે-48 પર ટ્રક સેન્ટ્રલ ડિવાઇડર ઓળંગીને સામેની બાજુએ આવી રહેલી ખાનગી સ્લીપર કોચ બસ સાથે અથડાયો હતો. ટક્કરને કારણે બસમાં વિકરાળ આગ લાગી ગઈ હતી.

સ્થાનિક પોલીસ અધિકારીએ આપેલી માહિતી મુજબ બસમાં સવાર 8 મુસાફરોના મોત નીપજ્યા છે, ટ્રકના ડ્રાઈવર પણ મૃત્યુ પામ્યો છે, દાઝી ગયેલા લોકોને નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. એક ઈજાગ્રસ્તને વધુ સારવાર માટે બેંગલુરુની વિક્ટોરિયા હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યો છે. મોટાભાગના ઈજાગ્રસ્તોની સ્થિતિ હાલ સ્થિર છે.

વડાપ્રધાને શોક વ્યક્ત કર્યો:
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટનામાં જાનહાની અંગે શોક વ્યક્ત કર્યો છે. તેમણે મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને પરિવારોને 2 લાખ રૂપિયાની જાહેરાત કરી છે. જ્યારે ઘાયલોને 50,000 રૂપિયાની આર્થિક સહાયની જાહેર કરી છે.

ટ્રક ડ્રાઈવરની બેદરકારી:
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે ટ્રક ડ્રાઈવરને બેદરકારીને કારણે આ અસ્કાસ્માત સર્જાયો હતો. ટ્રક ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો અને ટ્રક ડીવાઈડર ઓળંગીને સામેથી આવી રહેલી બસની ફ્યુઅલ ટેંક સાથે અથડાઈ, જેના ફ્યુઅલ ઢોળાયું અને વિકરાળ આગ ફાટી નીકળી.

મૃતકોની ઓળખની પ્રક્રિયા હાથ ધરાઈ:
અહેવાલ મુજબ આ બાદ ખાનગી બસ ઓપરેટર સીબર્ડ કોચની માલિકીની હતી, બાદમાં ડ્રાઈવર અને કંડક્ટર સહિત 32 લોકો સવાર હતા. હાલ મૃતકોની ઓળખ કરવા માટે બસ ઓપરેટર પાસેથી બુકિંગ વિગતો અને DNA સેમ્પલ લેવામાં આવી રહ્યા છે

પોલીસ અધિકારીના જણવ્યા મુજબ બાળકોને શાળાએ લઇ જતી એક સ્કૂલ બસ અકસ્માત સમયે ત્યાંથી પસાર થઈ રહી હતી, પરંતુ સ્કૂલ બસ અકસ્માતથી બચી ગઈ હતી અને બાળકો બચી ગયા.

તાજેતરમાં બનેલી બસ દુર્ઘટનાઓ:
નોંધનીય છે કે છેલ્લા કેટલાક મહિનામાં દેશમાં ઘણાં ભયાનક બસ અકસ્માતો સર્જાયા છે. હજુ ગઈ કાલે ૨૪ 24 ડિસેમ્બર, 2025એ તમિલનાડુમાં ટાયર ફાટ્યા બાદ સરકારી બસ બે એસયુવી સાથે અથડાતાં 9 લોકોના મોત થયા હતાં.

ગત નવેમ્બર મહિનામાં તેલંગાણામાં હૈદરાબાદ-બીજાપુર હાઇવે પર કાંકરી ભરેલી ટ્રક સાથે પેસેન્જર બસ અથડાતા 20 લોકોના મોત થયા હતા.

ઓક્ટોબર મહિનામાં આંધ્રપ્રદેશના કુર્નૂલ નજીક મોટરસાઇકલ સાથે અથડાયા બાદ એક ખાનગી બસમાં આગ ફાટી નીકળી હતી, જેમાં 25 લોકો માર્યા ગયા.

ઓક્ટોબરમાં જ રાજસ્થાનના થૈયાત ગામ પાસે એક સ્લીપર બસમાં આગ લાગતા 20 લોકોના મોત થયા હતાં.

આપણ વાંચો:  અયોધ્યામાં 25 કરોડના રામ લલ્લાની મૂર્તિનું આગમન, કોણે કર્યું દાન જાણો?

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button